આધારમાંથી નામ કમી કરવાનો આધાર તૈયાર !

આધારમાંથી નામ કમી કરવાનો આધાર તૈયાર !
આધાર કાયદામાં સરકાર મોટા સુધારાની તૈયારીમાં : આધાર નંબરથી લઈને બાયોમેટ્રિક ડેટામાંથી નાગરિકો નામ રદ કરાવી શકશે
 
નવીદિલ્હી, તા.6: આધારની આવશ્યકતા અને તેની જાણકારીઓની સુરક્ષા સહિતનાં મુદ્દાઓ ઉપર દેશમાં લાંબો વખતથી ધગધગતી ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે પણ ફેંસલો આપેલો કે તમામ પ્રકારની સરકારી સેવા અને સુવિધાઓ માટે આધાર અનિવાર્ય નથી. આ સાથે જ કેટલીક શરતોને આધીન તેની કાનૂની માન્યતાનો પણ સ્વીકાર કરવામાં આવેલો. જો કે હવે આ વિશે નવા સમાચાર એવા આવી રહ્યા છે કે લોકો પોતાનો આધાર નંબર રદ પણ કરાવી શકશે અને તેમની બાયમેટ્રિક સહિતની જાણકારીઓ આધારમાંથી કમી થઈ શકશે.
એક મીડિયા અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર આધાર કાયદામાં સુધારો કરવાનાં આખરી તબક્કામાં છે. આ પ્રસ્તાવ
અનુસાર જો કોઈ નાગરિક ઈચ્છે તો પોતાનાં આધારને રદ કરાવી શકશે. આધારમાંથી નામ કમી કરાવવામાં આધાર નંબર, બાયોમેટ્રિક જાણકારીઓ અને અન્ય વિગતો સામેલ થાય છે.
આધાર જારી કરતી સંસ્થા યુઆઈડીએઆઈએ આધાર એક્ટમાં `ઓપ્ટ આઉટ' એટલે કે બહાર નીકળવાનો વિકલ્પ જોડવાનો પ્રસ્તાવ આપ્યો છે. જેનાં અંતર્ગત લોકો પોતાની બાયોમેટ્રિક જાણકારીઓને આધારનાં ડેટામાંથી હટાવી શકશે. યુઆઈડીએઆઈ દ્વારા આ સુધારા માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આ પ્રસ્તાવને કાયદા મંત્રાલય પાસે પુન:સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે. જેમાં મંત્રાલયે એવું સૂચન આપ્યું છે કે આધારમાંથી નામ પરત ખેંચવાનો વિકલ્પ તમામને મળવો જોઈએ. તેને અમુક ચોક્કસ લોકો સુધી સીમિત કરી શકાય નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer