વસઈ-ભાઈંદર લેડીઝ સ્પેશિયલ વિરાર સુધી દોડાવાશે

મુંબઈ, તા. 7 : મહિલાઓની વિનંતીને લક્ષમાં રાખીને પશ્ચિમ રેલવેએ વસઈ અને ભાઇંદર માટે મહિલાઓ માટેની લોકલ ટ્રેન સેવા વિરાર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, જેની જાહેરાત પ. રેલવેએ પહેલી નવેમ્બરના તેના નવા ટાઈમ ટેબલમાં કરી છે.
પશ્ચિમ રેલવે ડિસેમ્બરના અંતથી વિરાર સુધીની ડબલ ટ્રેન સેવા માત્ર ચાલુ રાખશે એમ નથી પણ સવારના ગિરદીના સમયે વસઈ અને ભાઇંદરથી લેડીઝ સ્પેશિયલ શરૂ કરશે. આમ કુલ આવી સેવા 8થી વધીને 10 થશે.
આમ તો 31 અૉક્ટોબર સુધી વિરાર અને ચર્ચગેટ વચ્ચે આવનજાવનની ચાર સેવાઓ, વસઈ અને ચર્ચગેટ વચ્ચે બે સેવાઓ અને ભાઇંદર તથા ચર્ચગેટ વચ્ચે બે સેવાઓ અપાતી હતી પણ આ સેવાના લેવાયેલા સર્વે પરથી જણાયું કે વસઈ અને ભાઇંદર માટેની સેવાઓમાં તેની કુલ 2538 પ્રવાસીઓની ક્ષમતા જેટલી ભરાતી નહોતી. આથી પ. રેલવેએ આ સ્ટેશન માટેની ખાસ સેવા બંધ કરી દીધી અને આ સેવાને વિરાર સુધી લંબાવવામાં આવી હતી. વિરાર એવું સ્ટેશન છે કે જ્યાં વધુ ગિરદી હોય છે, પણ વસઈ અને ભાઇંદરની મહિલા પ્રવાસીઓએ ફરિયાદ કરી હતી કે જ્યારે આ ટ્રેનો જે તેમના સ્ટેશને આવી પહોંચે ત્યાં સુધીમાં બધી જ સીટો ભરાઈ ગયેલી હોય છે અને એટલે તેઓને ટ્રેનોમાં ઊભા રહીને પ્રવાસ ખેડવો પડે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer