નૉન-સેસ બિલ્ડિંગોના ભાડૂતો પણ માલિક બની શકશે

નૉન-સેસ બિલ્ડિંગોના ભાડૂતો પણ માલિક બની શકશે
મુંબઈ, તા. 7 : જે પાઘડીવાળા ભાડૂતો 13 જૂન, 1996 પહેલાં નોન-સેસ બિલ્ડિંગોમાં રહેતા હોય તેઓ પાલિકા દ્વારા દાખલ કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ તેમનાં બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ થવા પર નવા ફ્લેટ્સ માટે લાયક ગણાશે. વધુમાં ભાડૂતે જરૂરી કાનૂની વિધી દ્વારા પાઘડી સિસ્ટમનો ફ્લેટ બીજા શખસને નામે ટ્રાન્સફર કર્યો હોય તો નવા કબજેદારને રિડેવલપમેન્ટ બાદ ઘર મેળવવાના સમાન અધિકાર રહેશે તેમ જ પાત્ર ઠરશે. આમ ડેવલપમેન્ટ કંટ્રોલ ઍન્ડ પ્રમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર) 2034માં સુધારણા બાદ શહેરમાં જર્જરીત નોન-સેસ બિલ્ડિંગોનાં રિડેવલપમેન્ટ માટેનો માર્ગ મોકળો બન્યો છે.
સુધારણા મુજબ નોન-સેસ બિલ્ડિંગ માટેની કલમ 33 (7) (એ) હેઠળ નવો ઉમેરો કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ ભાડૂતો કમસે કમ 300 ચો.ફૂટથી લઈને મહત્તમ 1292 ચો.ફૂટનો ફ્લેટ મેળવવા પાત્ર થશે. તેમાં ભાડૂતની યોગ્યતાની પણ ચોખવટ કરાઈ છે. તો બીલ્ડરને સુધ્ધાં વેચાણાર્થે 50 ટકા વધુ બાંધકામનો એરીયા મળશે.
નવા ડીસીપીઆર કાયદામાં મકાનમાલિકને આકર્ષક લાભો દ્વારા પાઘડીની બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ કરવાનું પ્રોત્સાહન અપાયું હોઈ રિડેવલપમેન્ટ બાદ ભાડૂતો ફ્લેટના માલિક બનશે. આવી મોટા ભાગની નોન-સેસ બિલ્ડિંગો ઉપનગરોમાં આવેલી છે અને ઘણીખરી ખખડધજ હાલતમાં છે.
પાઘડી સિસ્ટમમાં મકાનમાલિક મિલકતધારક છે પરંતુ મિલકતનો કબજો ભાડૂતો પાસે હોય છે. જેઓ રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ લઘુતમ ભાડું ચૂકવે છે. પાલિકા અધિકારીઓના જણાવવા મુજબ ભાડૂતોના હક્કોનું રક્ષણ કરવા, તેમની પાત્રતા ઓળખવા તેમ જ બિલ્ડિંગ રિડેવલપમેન્ટમાં જાય ત્યારે તેઓ કોઈ પણ ડર રાખ્યા વિના જગા ખાલી કરી આપે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer