એડિલેડ ટેસ્ટમાં ભારતની પકડ મજબૂત

એડિલેડ ટેસ્ટમાં ભારતની પકડ મજબૂત
ભારતનો પહેલો દાવ 250 રનમાં સમેટાયા બાદ અૉસ્ટ્રેલિયાના 7/191 : અશ્વિનની ત્રણ વિકેટ
 
એડિલેડ, તા. 7 : એડિલેડ ટેસ્ટના પહેલા દિવસે ભારતે બેટિંગમાં કંગાળ પ્રદર્શન કર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે પકડ મજબુત કરી છે. ટેસ્ટના બીજા દિવસની રમત પુરી થતા ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવીને 191 રન કર્યા હતા. જે ભારતના સ્કોરથી 59 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ નોટઆઉટ 61 રન કર્યા છે. જ્યારે ભારત તરફથી અશ્વિને 3 અને ઈશાન્ત શર્મા- જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ મેળવી હતી. 
બીજા દિવસની શરૂઆત ભારતની બેટિંગથી થઈ હતી પણ મેચના પહેલા બોલે ભારતનો પહેલો દાવ 250 રને સમેટાયો હતો. જોશ હેજલવુડે મોહમ્મદ શમીને આઉટ કરીને ભારતીય ઈનિંગ પુરી કરી હતી. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ સૌથી વધુ 123 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેજલવુડે ત્રણ વિકેટ લીધી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની બેટિંગની શરૂઆત પણ સારી રહી નહોતી. દિવસની પહેલી જ ઓવરમાં ઈશાન્ત શર્માએ આરોન ફિંચને બોલ્ડ કર્યો હતો.  ત્યારબાદ માર્કસ હેરિસ અને ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયાની ઈનિંગને સંભાળવાનું કામ કર્યું હતું. ખ્વાજા અને હેરિસ ધીમી ગતીએ સ્કોર આગળ ધપાવી રહ્યા હતા. તેવામાં અશ્વિને હેરિસને પેવેલિયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ અશ્વિનનો નવો શિકાર શોન માર્શ બન્યો હતો અને ખ્વાજાને પણ અશ્વિને આઉટ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડયું હતું. ઉસ્માન ખ્વાજાના આઉટ થયા બાદ ટ્રેવિસ હેડ અને હેડ્સકોમ્બે 33 રનની ભાગીદારી કરી હતી ત્યારે જસપ્રિત બુમરાહે દિવસનો પહેલો શિકાર કરતા હેડ્સકોમ્બેને આઉટ કર્યો હતો. જ્યારે ટિમ પેનને ઈશાન્તે પરત મોકલ્યો હતો. બીજી તરફ ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયાનો દાવ આગળ વધારતા અડધી સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમને 191 રનના સ્કોર સુધી પહોંચાડી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer