આજે ભારત અને કૅનેડા વચ્ચે જંગ

આજે ભારત અને કૅનેડા વચ્ચે જંગ
હોકી વિશ્વકપની ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવવા ભારત કરશે પ્રયાસ
 
ભુવનેશ્વર, તા. 7 : હોકી વિશ્વકપમાં શાનદાર શરૂઆત બાદ ભારત પુલ સીમાં અંતિમ મેચમાં શનિવારે કેનેડાને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. દુનિયાની પાંચમા ક્રમાંકની ટીમ ભારત પુલ સીમાં ટોચ ઉપર છે. બીજી તરફ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા બેલ્જિયમના પણ ચાર અંક છે. જો કે ભારતની ગોલની સરેરાશ સારી છે. જયારે કેનેડા અને દક્ષિણ આફ્રિકાના બે મેચમાં 1-1 અંક છે. જેમાં ગોલને લઈને કેનેડા ત્રીજા ક્રમાંકે છે.
ભારતે હોકી વિશ્વકપમાં પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0થી હરાવ્યું હતું અને બેલ્જિયમ સામે મેચ ડ્રો થયો હતો. કેનેડાએ બેલ્જિયમને 2-1થી હરાવ્યું હતું અને દક્ષિણ આફ્રિકા સામે કેનેડાનો મેચ ડ્રો થયો હતો.  જેના કારણે પુલ સીમાં હજી પણ તમામ ટીમો માટે દરવાજા ખુલ્લા છે. આ પરિસ્થિતિમાં ભારત કોઈપણ ભૂલ કર્યા વિના જીત નોંધાવી અંતિમ 8માં પહોંચવા માટે મહેનત કરશે. તેમજ રેકોર્ડ અને પ્રદર્શનને ધ્યાને લઈને ભારત જીત માટે મજબૂત દાવેદાર ગણવામાં આવી રહ્યં છે. બીજા અને ત્રીજા સ્થાનની ટીમ અન્ય પુલની બીજી અને ત્રીજી ટીમ સામે ક્રોસઓવર રમશે જેનાથી ક્વાર્ટર ફાઈનલના બાકી 4 સ્થાન નક્કી થશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer