ટ્રેડિંગના લાંબા કલાકો

ટ્રેડિંગના લાંબા કલાકો
વિદેશી બજારો જોડે ભારતીય માર્કેટ તાલ મેળવી શકશે?
 
મુંબઈ, તા. 7 : સિક્યુરિટી બજાર નિયામક સેબીએ કોમોડિટી ડેરીવેટિવ્ઝ માર્કેટના ટ્રેડિંગના કલાક - એક કલાક વહેલો કરી સવારના 9 વાગ્યાનું સૂચવ્યું છે અને એગ્રી-ટ્રેડિંગ રાતના 9 વાગ્યા સુધી ચાલુ રાખવાનું સૂચવ્યું છે, જે 4 કલાક લંબાવવામાં આવ્યા છે. જોકે, વેપારના અમુક વર્ગે આનો વિરોધ કર્યો છે.
લાંબા કામના કલાકોની લોકોની તંદુરસ્તી પર વિપરીત અસર પડવાની દલીલ સાથે અમુક લોકો વિરોધ કરી રહ્યા છે. વળી એપીએમસી મંડીઓ ખાતેની ફિઝિકલ માર્કેટના સમય જોડે તેમ જ કમર્શિયલ બૅન્કોના સમય જોડે તે મેળ ખાશે નહીં.
સરકારની ઈચ્છા ધીમે ધીમે 24 કલાકના ટ્રેડિંગ તરફ વળવાની છે. હાલ ટ્રેડિંગ કલાકો વધારી 12 કલાક કરવાનું પગલું આ દિશામાં પ્રથમ પગલું ગણાય છે.
નવી દિલ્હીના નીતિઘડવૈયા અને સેબી માર્કેટને વિસ્તૃત બનાવવા, નવા પ્રોડકટસ પ્રસ્તુત કરવા અને નવા પાર્ટીશિપન્ટોને આકર્ષવા માગે છે.
ટોકોમ (ટોકયો એક્સ્ચેન્જ) અને બીએમડી (મલેશિયા એક્સ્ચેન્જ) ભારતીય બુર્સ કરતાં થોડાક કલાકો પૂર્વે ખૂલે છે. આ વિદેશી માર્કેટોને ભારતીય માર્કેટ અનુસરે છે. આ એક્સ્ચેન્જોના ભાવની અસર ભારતના કોમોડિટીના ખૂલતા ભાવ પર પડે છે, જે ભારતીય હેજર્સને અસર કરે છે. રબર અને પામ અૉઈલ તેનો દાખલો છે. ન્યૂ યૉર્ક પણ ભારતીય સમય સાંજના 7 વાગ્યા બાદ ખૂલે છે, જે ભારતના વર્તમાન બંધ કલાક બાદ તરત ખૂલે છે. વિસ્તૃત ટ્રેડિંગ કલાકોનો ફાયદો અમુક મોટા કોર્પોરેટ હાઉસોને વધુ થશે.
શનિવારે સોદા ચાલુ રાખવાની દરખાસ્તનો પણ બ્રોકરો સહિત અમુક પાર્ટીશિપન્ટો વિરોધ કરી રહ્યા છે. જોકે, વેલ્યુ-ચેઈન પ્લેયરનો મોટા ભાગનો વર્ગ થોડાક ઓછા કામના કલાકો સાથે શનિવારે કામકાજ ચાલુ રાખવાની તરફેણમાં છે.
કામના કલાકો લંબાવાથી રોજગારીની તકો વધશે. બ્રોકરોએ હવે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની અને બે પાળીમાં કામ કરતી તેમની ઈન્ટરનલ સિસ્ટમ રીડિઝાઈન કરવાની જરૂરત છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer