નીચા મથાળેથી નિફટી 93 પૉઈન્ટ સુધરીને 10693

નીચા મથાળેથી નિફટી 93 પૉઈન્ટ સુધરીને 10693
વાહન અને નાણાં ક્ષેત્રના શૅરોમાં લેવાલીથી બજારને ટેકો
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : શૅરબજારે ગઈકાલે મોટો ઘટાડો પચાવ્યા પછી આજે ત્રણ દિવસ પછી પ્રત્યાઘાતી સુધારો નોંધાવ્યો હતો. નાસ્દાક અને ડાઉ જોન્સ ઘટાડે રહ્યા છતાં સ્થાનિક બજારમાં ગઈકાલની ભારે સટ્ટાકીય વેચવાલી પછી નફાતારવણી માટે કેટલાક કાઉન્ટર પર વેચાણો કપાવાથી એનએસઈ ખાતે નિફટી 93 પૉઈન્ટ વધીને 10693.70 બંધ રહ્યો હતો. જોકે, સોમવારે વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામોની અસર બજાર પર ઝીલાશે.
આજે બીએસઈ ખાતે સેન્સેક્ષ 361 પૉઈન્ટના વધારાથી ટ્રેડિંગ અંતે 35673 બંધ હતો. ઓપેકની ગઈકાલની બેઠકમાં ક્રૂડ ઉત્પાદનમાં કાપ મૂકવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. હવે રશિયા-ઓપેકની બેઠક પર બજારની નજર રહે છે. તેથી આજે સ્થાનિકમાં વાહન અને ઔદ્યોગિક શૅરોના ભાવ સુધરીને બંધ રહ્યા હતા. આજના ટ્રેડિંગની શરૂઆતમાં નિફટી 10601થી ઉપરમાં 10644 ખૂલીને 10599નું દૈનિક તળિયું બનાવીને 10704 સુધી ઊંચે જઈને અંતે 10693.70 બંધ રહ્યો હતો. રૂપિયો આજે ડૉલર સામે વધુ મજબૂત થઈને 70.45 થયો હતો.
આજે શૅરબજારમાં નાણાસેવી અને ખાનગી બૅન્કના શૅરોમાં નોંધનીય સુધારો થયો હતો. બૅન્કેક્સ 1.5 ટકા વધ્યો હતો. વાહન ક્ષેત્ર સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એફએમસીજી અગ્રણી એચયુએલ અને સિમેન્ટ શૅરમાં સુધારો થયો હતો. જોકે, હુન્ડાઈના સીએફઓની ધરપકડના અહેવાલના પ્રત્યાઘાતની અસરથી એચસીએલ ટેક્નૉલૉજી 3 ટકા અને ટીસીએસ જેવા શૅરો ઘટાડે રહ્યા હતા. જોકે, ઈન્ફોસીસ રૂા. 14 વધ્યો હતો. વ્યક્તિગત શૅરમાં ડીએલએફ 2 ટકા વધવા સામે કેડીલા હેલ્થકેર 2 ટકા ઘટયો હતો. એચસીએલ દ્વારા આઈબીએમ સોફટવેર પ્રોડકટનો હિસ્સો ખરીદવાના અહેવાલથી શૅર તૂટયો હતો.
આજનો સુધારો આઈટી ક્ષેત્રની નબળાઈને લીધે થોડો સિમિત રહ્યો હોવાનું વિશ્લેષકો માને છે. ક્રૂડતેલમાં ભાવની રાહતના એંધાણ છતાં મારુતિ સુઝુકીનો ભાવ સુધારો મધ્યમ રહ્યો હોવાનું મનાય છે. બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્ષ 0.2 ટકા વધવા સામે સ્મોલકેપ ઈન્ડેક્ષ 0.3 ટકા ઘટયો હતો. અૉટો ઈન્ડેક્ષ 0.9 ટકા વધ્યો હતો.
આજે સુધરનાર મુખ્ય શૅરોમાં કોટક બૅન્ક રૂા. 99, એચડીએફસી બૅન્ક રૂા. 10, બજાજ ફીનસર્વ રૂા. 182, એક્સિસ બૅન્ક રૂા. 4, બજાજ અૉટો રૂા. 68, મારુતિ સુઝુકી રૂા. 104, હીરો હોન્ડા રૂા. 40, આઈશર મોટર્સ રૂા. 158, ડૉ. રેડ્ડીસ રૂા. 51, એચયુએલ રૂા. 23, અલ્ટ્રાટેક રૂા. 68 નોંધપાત્ર સુધર્યા હતા. જ્યારે ઘટવામાં સનફાર્મા રૂા. 9, એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 51, કોલ ઈન્ડિયા રૂા. 4 ઘટયા હતા. અન્ય શૅરો નજીવા ઘટાડે બંધ રહ્યા હતા. વ્યક્તિગત શૅરમાં પાવર ફાઈનાન્સ 4.78 ટકા ટ્રેડિંગ દરમિયાન ઘટયા પછી બંધ 0.5 ટકા ઘટીને રહ્યો  હતો. કેન્દ્ર સરકારે હાલ ઈલેક્ટ્રિકનો 52.63 ટકા હિસ્સો પીએફસીને આપવાનો નિર્ણય કર્યો છે. જેથી કંપનીની નફાશક્તિ ઘટવાની સંભાવનાથી ભાવ દબાયો છે.
એશિયન બજારો
એશિયન બજારોમાં મિશ્ર વલણ હતું. ક્રૂડતેલના ભાવ ઘટયા છતાં આજે રશિયા સાથેની બેઠક મહત્ત્વપૂર્ણ હોવાથી અને ફેડ રિઝર્વે વ્યાજ બાબતે મધ્યમ વલણ દાખવતા એશિયા પેસિફિક શૅરનો એમએસસીઆઈ ઈન્ડેક્ષ 0.4 ટકા ઘટયો હતો. જપાનનો નિક્કી 0.8 ટકા સુધરવા સાથે ચાયના ખાતે બ્લુ ચીપ 0.1 ટકા દબાણમાં રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer