રાવી નદી પર બનશે ડૅમ, પાકનું પાણી ઘટશે

શાહપુરકંડી પરિયોજનાને કેન્દ્રની મંજૂરી : પાકિસ્તાનમાં `ફાજલ' જતું પાણી અટકશે 
 
નવી દિલ્હી, તા. 7 : આખરે કેન્દ્ર સરકારે પંજાબમાં રાવી નદી પરની શાહપુરકંડી ડેમ પરિયોજનાના અમલીકરણને લીલીઝંડી આપી છે. ગઈકાલે આપવામાં આવેલી આ મંજૂરીને પગલે હવે ભારત માધોપુર હેડવર્ક્સ પાસેથી પાકિસ્તાન તરફ `ફાજલ'માં વહી જતા પાણીના જથ્થાનો ઉપયોગ કરી શકશે. 2022માં આ પરિયોજના સંપન્ન થયેથી જમ્મુ અને કાશ્મીર ઉપરાંત પંજાબ સહિતના વિસ્તારોમાં સિંચાઈની ઉપલબ્ધતામાં વધારો થઈ શકશે.
મૂળ 2285 કરોડનો ખર્ચ ધરાવતી આ પરિયોજના 17 વર્ષ જૂની છે પરંતુ રાજ્ય સરકાર સાથે પૂરતું ભંડોળ ઉપલબ્ધ ન હોવાને કારણે શરૂ કરી શકાઈ ન હતી.
કેન્દ્ર સરકાર 2018-19થી 2022-23ના પાંચ વર્ષ દરમ્યાન રાજ્ય સરકારને 485 કરોડ રૂા. (સિંચાઈ માટે) મદદ પૂરી પાડશે.
કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આ ડેમના સંબંધમાં નિર્ણય લીધો હતો. સિંધુ નદીના જળ વિભાજન માટે 1960માં ભારત અને પાકિસ્તાને સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ હેઠળ ભારતને ત્રણ પૂર્વી નદી રાવી, બિયાસ અને સતલજના પાણીના સંપૂર્ણ ઉપયોગનો અધિકાર મળ્યો હતો.
આ પરિયોજના પૂર્ણ થયા બાદ પંજાબમાં 5000 હેક્ટર અને જમ્મુ-કાશ્મીરમાં 32173 હેક્ટર વધારાની જમીનની સિંચાઈ શક્ય બની શકશે. આ ઉપરાંત તેની મદદથી પંજાબ 206 મેગાવોટની વધારાની હાઈડ્રો-ઊર્જા પેદા કરવામાં પણ સક્ષમ બનશે. યોજના આયોગ (હવે નીતિ આયોગ)એ નવેમ્બર 2001માં જ આ પરિયોજનાને આરંભિક સ્વીકૃતિ આપી દીધી હતી. આ પ્રોજેક્ટની સુધારેલી કિંમતને ઓગસ્ટ 2009માં જળસંસાધન મંત્રાલયની સલાહકાર સમિતિનું પણ અનુમોદન મળી ગયું હતું.
જોકે પરિયોજના પર કામ 2013માં જ શરૂ થઈ ગયું હતું પરંતુ ત્યારની પંજાબ સરકાર તરફથી ભંડોળની તંગી અને જમ્મુ-કાશ્મીર તરફથી ઉઠાવવામાં આવેલા કેટલાક મુદ્દાઓને કારણે કામ રોકી દેવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer