કલકત્તા હાઈ કોર્ટે ભાજપની રથયાત્રા પર રોક લગાવવાના નિર્ણયને રદ કર્યો

ડિવિઝન બેન્ચનો નિર્ણય : 12 ડિસે. સુધીમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવને મળવા ભાજપને નિર્દેશ
 
કોલકાતા, તા. 7 : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પ્રસ્તાવિત રથયાત્રા પર રોક લગાવવાના આદેશને કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રદ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગઈકાલે હાઈકોર્ટની સિંગલ બેન્ચે ભાજપને રથયાત્રા કાઢવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો.
આ મામલામાં સુનાવણી કરતાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આજે ભાજપના ત્રણ પ્રતિનિધિઓને રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ મહાનિદેશક (ડીજીપી) પાસેથી 12 ડિસેમ્બર સુધી મુલાકાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલત આ મામલામાં 14મી ડિસેમ્બર સુધી અંતિમ નિર્ણય આપશે.
ઉલ્લેખનીય છે કે ભાજપની સાતમી ડિસેમ્બરથી ઉત્તરમાં કુચબિહારથી અભિયાન શરૂ કરવાની યોજના હતી. તે પછી નવમી ડિસેમ્બરે દક્ષિણ 24 પરગણા જિલ્લા અને 14 ડિસેમ્બરના બીરભૂમિ જિલ્લામાં તારાપીઠ મંદિરથી ભાજપની રથયાત્રાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમના આયોજનથી પહેલાં પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ આ જ યાત્રાના પ્રસ્તાવિત માર્ગ પર ગઈકાલે જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર હુમલો થયો હતો. 
રાજ્ય સરકારના વકીલ એ.કે. નાગે જણાવ્યું હતું કે કોર્ટે આદેશ આપ્યો હતો કે 21મી ડિસેમ્બર સુધી સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી), ભાજપના જિલ્લાધ્યક્ષોથી વાતચીત કરશે અને 9 જાન્યુઆરી સુધી કલકત્તા હાઈકોર્ટમાં રિપોર્ટ ફાઈલ કરશે. ત્યાં સુધી અદાલતે ભાજપની રથયાત્રા પર રોક લગાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer