આઝાદીના આટલા દાયકા બાદ પણ દેશ પછાત શા માટે? : વડા પ્રધાન

છેલ્લાં ચાર વર્ષમાં ઘણું પરિવર્તન આવ્યું છે : મોદી
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 7 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અત્રે એવો સવાલ કર્યો હતો કે, આઝાદી પછી આટલા બધા દાયકા વીતી ગયા હોવા છતાં દેશ આજે પછાત કેમ છે? લોકોની સમસ્યાઓનું સમાધાન કેમ થયું નથી?
વડા પ્રધાન આજે અત્રે એક મીડિયા હાઉસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે વીજળી દેશના એવા આંતરિક વિસ્તારોમાં પહોંચી છે જ્યાં 70 વર્ષમાં પહોંચી નહોતી. જે વિસ્તારો રેલવેના નકશામાં નહોતાં ત્યાં રેલ સેવા પહોંચી ગઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ ઘરોમાં શૌચાલયોની સંખ્યા 38 ટકાથી વધીને વર્તમાન સરકારના શાસનમાં 95 ટકા સુધી પહોંચી ગઈ છે. માર્ગ સંપર્ક 55 ટકાથી વધીને 90 ટકા સુધી પહોંચી ગયો છે.
મોદીએ જણાવ્યું હતું કે, એક વખત ગરીબોને અને વંચિતોને મૂળભૂત સુવિધાઓ મળતી થશે એટલે તેઓ આપોઆપ ગરીબીમાંથી બહાર આવી જશે. છેલ્લાં ચાર વર્ષમાં ઘણું પરિવર્તન આવ્યું છે આંકડા એની સાક્ષી પૂરે છે.
તેમણે જણાવ્યું હતું કે, ભાગેડુ આર્થિક ગુનેગારોને કયા પણ આશરો ન મળે તે માટે વર્તમાન સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો મૂકયા છે.
મોદીએ જણાવ્યું હતું કે, સરકાર લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા પ્રતિબદ્ધ છે.
પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય જેવી યોજનાના લાભાર્થીઓમાં મજૂરો, શ્રમિકો, કિસાનો અને ગરીબો સામેલ છે. ગરીબોને સશક્ત બનાવનારી આ યોજનાઓ આગળ પણ ચાલુ રહેશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer