મુંબઈમાં ધીમે પગલે આવી રહી છે ગુલાબી ઠંડી

મુંબઈ, તા. 7 : આખરે મહાનગર મુંબઈમાં તાપમાનમાં ઘટાડો થયો હોવાથી શહેરીજનોને હવે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે અને ટાઢક પણ અનુભવી રહ્યાં છે. મુંબઈગરાંને બહુ જલદી ઠંડીનો અહેસાસ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર તરફથી પવન આવતા હોવાથી તાપમાનમાં ઘટાડો થયો હોવાનું વેધશાળાએ જણાવ્યું હતું. 
નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવાથી સવારે અને સાંજે હવામાં ઠંડકનો અનુભવ થાય છે. પરંતુ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઓછો થયો નહોતો. ડિસેમ્બર મહિનો શરૂ થતા જ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર તરફના પવનની તીવ્રતા ઓછી હાવથી હજી સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો નથી. આવનારા દિવસોમાં હવાની તીવ્રતા વધ્યા બાદ ઉષ્ણતામાનનો પારો નીચે જવાની શક્યતા છે, તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer