બુલંદશહર તોફાન : પીઆઈનો હત્યારો એક ફૌજી !

રજા ઉપર આવેલા જવાને ગોળી મારી હોવાનો આરોપ : હત્યા પછી ભાગી ગયો
 
બુલંદશહર, તા.7 : ઉત્તરપ્રદેશનાં બુલંદશહરનાં સ્યાના વિસ્તારમાં ગૌહત્યા મુદ્દે થયેલી હિંસક બબાલમાં આજે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ તોફાનોમાં મૃત્યુ પામેલા પોલીસ અધિકારી સુબોધ કુમાર ઉપર રજામાં આવેલા એક ફૌજીએ ગોળી ફોડી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સૈન્ય જવાન ગોળી મારતો દેખાઈ રહ્યો હોવાનું કહેવાય છે.
તેનાં વિશે જાણવા મળેલી વિગતો અનુસાર મહાવ ગામનો રહેવાસી જીતેન્દ્ર ઉર્ફે જીતુ સેનાનો જવાન છે અને જમ્મુ-કાશ્મીરમાં તેની તૈનાતી છે. ઘટનાનાં દિવસે તે રજા ઉપર ઘેર પરત આવેલો. જો કે પોલીસ હજી સુધી આ વિશે કોઈ સ્પષ્ટ પુષ્ટિ આપવાનું ટાળી રહી છે. પોલીસનાં કહેવા અનુસાર જવાન આ ઘટનાનો એક આરોપી છે પણ હત્યા સાથે તેનો સીધો સંબંધ હજી સાબિત થતો નથી.
તોફાનમાં પોલીસ અધિકારીની હત્યા બાદથી જવાન જમ્મુ પરત ભાગી ગયો હોવાનું કહેવામાં આવે છે. તેને પકડવા માટે પોલીસે પોતાની ટૂકડીઓ જમ્મુ રવાના કરી દીધી છે. 
Published on: Sat, 08 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer