પ્લાસ્ટિકને બદલે બૉટલમાં દૂધ અપાશે તો લિટરદીઠ 10થી 15 રૂપિયા ખર્ચ વધશે?

પ્લાસ્ટિકને બદલે બૉટલમાં દૂધ અપાશે તો લિટરદીઠ 10થી 15 રૂપિયા ખર્ચ વધશે?
પ્લાસ્ટિકબંધીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો દૂધ ઉત્પાદકોની આંદોલનની ચીમકી

અમારા પ્રતિનિધિ તરફથી
પુણે, તા. 7 : રાજ્ય સરકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદ્યા બાદ દૂધનો પ્રશ્ન એરણે ચડયો છે. રાજ્યના દૂધ કલ્યાણકારી ખાનગી દૂધ ઉત્પાદકોએ કહ્યું છે કે ``દૂધના વેચાણ માટે પ્લાસ્ટિકબંધીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો અમારે બૉટલમાં દૂધ વિતરિત કરવું પડશે. એ માટે ગ્રાહકોએ લિટરદીઠ 10થી 15 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જો પ્લાસ્ટિકબંધી બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો દૂધ ઉત્પાદકો આંદોલ કરશે.''
દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ દશરથ માનેએ કહ્યું છે કે `રાજ્યના દૂધ ઉત્પાદકોના 30 અૉક્ટોબરથી 225 કરોડ રૂપિયાનાં બિલ બાકી છે. એ નાણાં ક્યારે મળશે એની જાણ નથી. હવે સરકારે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી (2019) મળીને ત્રણ મહિના માટે ફરી લિટરદીઠ પાંચ રૂપિયા અનુદાન આપવાની નવી યોજના લાગુ પાડી છે. સરકારે જો 30 અૉક્ટોબર સુધીના રૂપિયા આપ્યા નહીં તો 1 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ખરીદેલા ગાયના દૂધ માટે લિટરદીઠ 25 રૂપિયાનો ભાવ હોય તો પણ તેના હાથમાં 20 રૂપિયા પ્રમાણે જ રૂપિયા આપીશું. સરકાર જ્યારે પાંચ રૂપિયાના અનુદાનરૂપે અમને નાણાં ચૂકવશે ત્યારે અમે ખેડૂતોને અનુદાનના પાંચ રૂપિયા પ્રમાણે રૂપિયા ચૂકવીશું. દૂધ ઉત્પાદક સંઘની યોજાયેલી બેઠકમાં અમે એવો નિર્ણય લીધો છે.
જોકે આવા નિર્ણયથી ખાનગી દૂધ ઉત્પાદકો અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ થવાની શક્યતા છે અને એમાં ગ્રાહકોએ વેઠવાનો વારો આવશે. સરકાર તરફથી ચૂકવવાની બાકી રહેલી અનુદાનની રકમ અને પ્લાસ્ટિકબંધીના નિર્ણય સંદર્ભે કઈ ભૂમિકા અપનાવવી એ માટે દૂધ ઉત્પાદક સંઘની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં રાજ્યના 50થી વધુ દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિઓ હાજર હતા, જેમાં રણજિત નિમ્બાળકર, વિવેક નિર્મળ, પ્રકાશ કુતવળ વગેરેનો સમાવેશ હતો.
દૂધના ભાવવધારાની કે આંદોલનની ધમકીથી ગભરાતા નથી : રામ કદમ
`દૂધ ઉત્પાદકો, દૂધના ભાવવધારાની કે આંદોલનની ધમકી ન આપતા, આવી ચીમકીથી ગભરાતો નથી' એવી પ્રતિક્રિયા પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે આપી છે. પ્લાસ્ટિકબંધી બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો રાજ્યના દૂધ ઉત્પાદકો આંદોલન કરશે એવી ચીમકી ખાનગી દૂધ ઉત્પાદકોએ આપ્યા બાદ રામ કદમે કહ્યું હતું.
રામ કદમે એ વખતે કહ્યું કે `ખાનગી દૂધ વેચનારાઓને સરકારે યોજના આપી છે. એમાં અડધા લિટર દૂધ પર 50 પૈસા અને એક લિટર દૂધ પર 1 રૂપિયો ડિપૉઝિટ લેવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય આપણી ભાવિ પેઢી માટે છે. દૂધમાં ભાવવધારો થશે નહીં. આવતા મંગળવારે મેં દૂધ ઉત્પાદકોની બેઠક બોલાવી છે.'
રામ કદમે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ હટશે નહીં. રાજ્યમાં પ્લાસ્ટિકબંધી યથાવત્ રહેશે. જોકે દૂધ ઉત્પાદકો માગણી કરી રહ્યા છે કે રામ કદમે દૂધ બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. દશરથ માનેએ ઉમેર્યું હતું કે દૂધ ઉત્પાદકોની-વેચનારાઓની બધી વાતોને સાંભળ્યા બાદ એનો નિર્ણય લઈશું એવું આશ્વાસન મુખ્ય પ્રધાને આપ્યું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer