રથયાત્રા રદ નથી થઈ, સ્થગિત કરાઈ છે

રથયાત્રા રદ નથી થઈ, સ્થગિત કરાઈ છે
પંચાયતોની ચૂંટણીમાં ભાજપ બીજા નંબરે આવતાં મમતાની ઊંઘ ઊડી ગઈ છે : અમિત શાહ  
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 7 : પશ્ચિમ બંગાળમાં રથયાત્રાને મંજૂરી નહીં મળતાં ભાજપના પ્રમુખ અમિત શાહે મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, પંચાયતોની ચૂંટણીમાં ભાજપ બીજા નંબરે રહેવાને કારણે તેઓ ડરી ગયાં છે અને તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે એટલે તેમણે ભાજપની રથયાત્રાને રોકવાનું કામ કર્યું છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની રથયાત્રા રદ નથી થઈ, પણ તેને સ્થગિત કરી દેવામાં આવી છે.
અમિત શાહે અત્રે ભાજપ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પંચાયતની ચૂંટણીઓ વેળા સામ્યવાદીઓના શાસનમાં આટલી મોટા પાયે હિંસા કયારે પણ થઈ નથી. પંચાયત ચૂંટણી દરમિયાન માત્ર ભાજપના જ 20 કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી હતી અને 1300થી વધુ ઘાયલ થયા હતા. પ. બંગાળમાં પોલીસ અને તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓ રાજકીય હત્યાઓને ઉત્તેજન આપી રહ્યા છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, પ. બંગાળમાં અપરાધોની સંખ્યા વધી ગઈ છે અને 2014ના નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં અપરાધ દર ઉત્તર પ્રદેશ કરતાં 17 ટકા અને બિહાર કરતાં 12 ટકા વધારે છે. રાજકીય હત્યાઓની બાબતમાં ઘણાં વર્ષોથી પ. બંગાળ બધા કરતાં આગળ રહ્યું છે. તૃષ્ટિકરણને કારણે રાજ્ય પ્રશાસન નબળું પડી ગયું છે.
ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપ 2019ની ચૂંટણીમાં પ. બંગાળમાં વિજય પ્રાપ્ત કરશે અને રથયાત્રા માટે તેઓ પ. બંગાળ જશે અને મમતા બેનરજી સામે સમર્પણ નહીં કરે. ઈંટનો જવાબ ઈંટથી આપવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer