નીતિન ગડકરી પદવીદાન સમારંભમાં થોડા સમય માટે બેશુદ્ધ થઈ ગયા

નીતિન ગડકરી પદવીદાન સમારંભમાં થોડા સમય માટે બેશુદ્ધ થઈ ગયા
મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે અહમદનગર જિલ્લામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન મૂર્છિત થઈ ગયા હતા.
રાહુરી ખાતે રાષ્ટ્રીય ગીત વાગતું હતું ત્યારે પદવીદાન સમારંભમાં ગડકરી થોડા સમય સુધી બેશુદ્ધ થઈ ગયા હતા.
61 વર્ષના ગડકરીએ આ માટેનું કારણ આપતાં જણાવ્યું હતું કે, પદવીદાન માટેનો લાંબો ઝબ્બો પહેર્યો હોવાથી શરીરને ઓછું ઓક્સિજન મળતાં પોતે બેશુદ્ધ થઈ ગયા હતા.
``આ કાર્યક્રમ દરમિયાન મને થોડી ગુંગળામણ થઈ હતી. કાર્યક્રમનો મંચ ઍર ટાઈટ હતો. મેં લાંબો ઝભ્ભો પહેર્યો હતો એટલે શરીરને ઓછું ઓક્સિજન મળતાં હું બેશુદ્ધ થઈ ગયો હતો. મારી તબિયત હવે સારી છે અને બ્લડપ્રેશર કે સુગરની હવે કોઈ સમસ્યા નથી.'' એમ ગડકરીએ જણાવ્યું હતું.
અગાઉ ગડકરીએ આ માટે શરીરમાં સુગર ઘટી જવાનું કારણ આપ્યું હતું. `હવે હું ડૉક્ટરોની દેખરેખ હેઠળ છું અને મારી તબિયત સારી છે. શુભેચ્છાઓ માટે તમામ લોકોનો આભાર.' એમ ગડકરીએ જણાવ્યું હતું.
એક વીડિયોમાં ગડકરીની નજીક મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ નજરે પડે છે જેઓ ગડકરી બેશુદ્ધ થઈ ગયા બાદ તેમને સહારો આપતાં નજરે પડે છે.
ઘટના સ્થળે હાજર ડૉક્ટરોએ ગડકરીની તપાસ કરી હતી અને ગડકરી 10 મિનિટ સુધી બેઠક પર બેસી રહ્યા બાદ પોતાના વાહન ભણી ચાલ્યા ગયા હતા. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer