રાજસ્થાન અને તેલંગણમાં બમ્પર મતદાન

રાજસ્થાન અને તેલંગણમાં બમ્પર મતદાન
રાજસ્થાનની 199 બેઠકો ઉપર 72.14 ટકા અને તેલંગણાની 119 બેઠકો માટે 67 ટકા મતદાન : સીકરના ફતેહપુરમાં તોફાન
 
નવી દિલ્હી, તા. 7 : રાજસ્થાન અને તેલંગણની વિધાનસભા બેઠકો માટે આજે બમ્પર મતદાન થયું હતું. રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો માટે 2274 ઉમેદવારો પોતાના નસીબ અજમાવી રહ્યા છે. તો બીજી તરફ તેલંગણની 119 વિધાનસભા બેઠકો માટે મતદાન કેન્દ્રો ઉપર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. દિવસના અંતે રાજસ્થાનમાં 72.14 ટકા અને તેલંગણમાં 67 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં રાજસ્થાનના ફતેહપુરમાં બે જૂથો સામસામે આવતા હિંસા થઈ હતી અને વાહનોને આગ ચાંપવામાં આવી હોવાની ઘટના પણ બની હતી. જો કે બાકીના સ્થળોએ મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. મતદાન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ લોકોને મતના અધિકારનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી. હવે આગામી 11મી ડિસેમ્બરે એક સાથે પાંચ રાજ્યોના પરિણામ જાહેર કરવામાં આવશે. 
રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. જેમાં વસુંધરા રાજે અને માનવેન્દ્ર સિંહ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. રાજસ્થાનની ચૂંટણીમાં જીત માટે વડાપ્રધાન મોદીથી લઈને ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા જનસભાઓ પણ યોજવામાં આવી હતી. ત્યારે હવે 199 બેઠકો ઉપર ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં સીલ થયા છે. આ દરમિયાન બિકાનેરમાં મત આપવા પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુનરા મેઘવાલને જ ઈવીએમમાં ખરાબીનો સામનો કરવો પડયો હતો અને બે કલાક જેટલો સમય મત આપવા રાહ જોવી પડી હતી. બીજી તરફ ઝુંઝનુંમાં ભાજપના ઉમેદવારોના સમર્થકો સાથે ધક્કામુક્કીનો બનાવ બન્યો હતો અને ફતેહપુરમાં બે જૂથો સામસામે આવતા વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. 
તેલંગણમાં 119 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જેમાં શરૂઆતી તબક્કો ધીમો રહ્યો હતો પણ ધીમી ગતિએ મતદાનનું પ્રમાણ નોંધપાત્ર બન્યું હતું. આ દરમિયાન વામપંથી ઉગ્રવાદ ગ્રસ્ત 13 કેન્દ્રોમાં 4 વાગ્યા સુધી જ મતદાન થયું હતું. તેલંગણમાં આજે સામાન્ય લોકો, નેતાઓ સાથે દક્ષિણના ફિલ્મી સિતારાઓએ પણ મતદાન કર્યું હતું. તેલંગણમાં ટીઆરએસ અને ભાજપે પોતાના દમ ઉપર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યા બાદ દિગ્ગજ નેતાઓએ પ્રચાર અભિયાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ સભા ગજવી હતી. તેલંગણની વિધાનસભામાં દિવસના અંતે 67 ટકા મતદાન થયું હતું અને કુલ 1821 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer