કૉંગ્રેસનો `હાથ'' ઉપર

કૉંગ્રેસનો `હાથ'' ઉપર
સત્તાની સેમિ-ફાઈનલમાં એક્ઝિટ પોલનું અનુમાન
 
રાજસ્થાનમાં કમળ કચડાશે
 
તેલંગણામાં ટીઆરએસનો દબદબો અને મિઝોરમમાં કૉંગ્રેસ અને એનએમએફ વચ્ચે કાંટે કી ટક્કર
 
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તીવ્ર રસાકસી
 
નવી દિલ્હી, તા. 7 : રાજસ્થાન અને તેલંગણામાં આજે મતદાન સંપન્ન થવાની સાથે જ આગામી વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણીને સેમી ફાઇનલ તરીકે જોવામાં આવતી પાંચ રાજ્યોની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે મતદાન પૂર્ણ થવાની સાથે જ વિભિન્ન સમાચાર સંસ્થા અને એજન્સીઓનાં ચૂંટણી-સર્વેક્ષણોનાં તારણો આવવાનું શરૂ થઈ ગયું હતું જેમાં આજે આશરે 7પ ટકા મતદાન થયું અને સૌની નજર જેના પર કેન્દ્રિત છે એવા રાજસ્થાનમાં સત્તાપરિવર્તન થઈ રહ્યું હોવાનું મોટા ભાગનાં એક્ઝિટ પોલનું અનુમાન છે.
ચૂંટણી પૂર્વે પણ રાજસ્થાનમાં રાજે સરકાર રવાના થાય એવા અણસાર પ્રિ-પોલ સર્વેમાં મળ્યા હતા અને એક્ઝિટ પોલ પણ એવું જ ચિત્ર દર્શાવી રહ્યા છે.
બીજા મોટા અને મહત્ત્વના રાજ્ય મધ્ય પ્રદેશમાં ચૂંટણી પહેલાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જોવામાં આવતી હતી અને એક્ઝિટ પોલનાં તારણો પણ બન્ને વચ્ચે કાંટે કી ટક્કર જામી હોવાનું દેખાડી રહ્યાં છે જેના હિસાબે ભાજપ અને કૉંગ્રેસ બન્નેના જીવ પડીકે બંધાયા છે. ત્રણ ચૂંટણી સર્વેક્ષણમાં ભાજપ અને કૉંગ્રેસ લગભગ બરાબરી પર અટકી રહ્યા છે. બેમાં ભાજપને પાંખી સરસાઈથી જીતતું તો બેમાં કૉંગ્રેસને ઓછા અંતરે વિજેતા અંદાજવામાં આવ્યો છે.
જોકે સરેરાશ ચિત્ર પર નજર કરીએ તો અહીં પણ કૉંગ્રેસનો હાથ ઉપર રહેવાની શક્યતા દેખાડવામાં આવી રહી છે. છત્તીસગઢમાં સૌથી લાંબું શાસન ચલાવનાર મુખ્ય પ્રધાન રમણસિંહ સામે આ વખતે કૉંગ્રેસ અને અજિત જોગીનાં જેસીસીનો પડકાર હતો અને એક-બે એક્ઝિટ પોલને બાદ કરતાં સર્વેક્ષણોમાં આ ત્રિપાંખિયા જંગમાં રમણસિંહના નેતૃત્વમાં ભાજપની જીત દેખાય છે. તેલંગણાની સરકારનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ એની વિધાનસભા ચૂંટણી મે 2019માં લોકસભાની ચૂંટણી સાથે આવે એમ હતી, પણ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે વિધાનસભાનું વિસર્જન કરી નાખીને વહેલી ચૂંટણી નોતરી હતી. તેમનો પક્ષ ટીઆરએસ અને ભાજપ એકલાહાથે ચૂંટણી લડયા હતા તો કૉંગ્રેસે ત્યાં ટીડીપી સાથે જોડાણ કર્યું છે. જોકે કૉંગ્રેસને આ જોડાણ પછી પણ સત્તા હાથમાં આવે એવી સંભાવના એક્ઝિટ પોલમાં દેખાતી નથી. ટીઆરએસ સત્તા ટકાવી રાખે એવું મોટા ભાગના પોલ-પ્રિડિક્શન કહે છે. જ્યારે મિઝોરમમાં પણ કૉંગ્રેસને સત્તા મળે એવું અનુમાન છે. આમ પાંચેય રાજ્યોનાં પરિણામોનાં આકલનો પર નજર કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં સત્તાની આ સેમી ફાઇનલમાં એકંદરે કૉંગ્રેસનો હાથ ઉપર રહે એવું દેખાઈ રહ્યું છે.
લોકસભાની સેમી ફાઇનલ જેવા જંગમાં જો કૉંગ્રેસ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેશે તો એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ માટે આંચકા સમાન ગણાશે એમ પોલપંડિતો માને છે.
ખાસ તો રાજસ્થાનમાં વારાફરતી કૉંગ્રેસ-ભાજપને સત્તા મળે છે એમ ભાજપ કહી શકશે, પરંતુ મધ્ય પ્રદેશમાં તો હાર પચાવવી મુશ્કેલ હશે, એમ નિરીક્ષકોનું કહેવું છે.
દરમિયાન સટ્ટાબજારમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ હારે તો કૉંગ્રેસના મુખ્ય પ્રધાનપદના દાવેદારોના ભાવ બોલાવા લાગ્યા છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચીન પાયલોટ, જ્યારે મધ્ય પ્રદેશમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં નામ આગળ ચાલી રહ્યાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer