ઓસિ. અને કિવિ સામેની વન ડે શ્રેણીમાં બુમરાહને વિશ્રામ

ઓસિ. અને કિવિ સામેની વન ડે શ્રેણીમાં બુમરાહને વિશ્રામ
મોહમ્મદ સિરાઝનો ભારતીય ટીમમાં સમાવેશ
 
સિડની, તા.8 : શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 12મીથી શરૂ થઇ રહેલ ત્રણ વન ડેની શ્રેણી અને ન્યુઝીલેન્ડ પ્રવાસમાં વિશ્રામ અપાયો છે. તેની જગ્યાએ મોહમ્મદ સિરાઝનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની 4 ટેસ્ટની સિરિઝમાં 21 વિકેટ લીધી હતી અને ભારતની ઐતિહાસિક જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફકત 12 મહિના પહેલા ટેસ્ટ પદાપર્ણ કરનાર જસપ્રિત બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો પ્રીમિયર ફાસ્ટ બોલર બની ગયો છે.
ઝડપી બોલરો પરના કાર્યભારને ધ્યાને રાખીને બીસીસીઆઇ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની આગામી ઘરેલુ વન ડે શ્રેણી પહેલા બુમરાહને પર્યાપ્ત વિશ્રામ આપવા પસંદગીકારોએ ઝડપી બોલરોની રોટેશનની રણનીતિ અનુસાર આ ફેંસલો લીધો છે.  ન્યુઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીની ટીમમાં સિધ્ધાર્થ કૌલનો પણ સમાવેશ કરાયો છે.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ શનિવારથી થશે. આ પછી ન્યુઝીલેન્ડમાં ભારતીય ટીમ પ વન ડે અને 3 ટી-20 મેચ રમશે. 
ભારતની વન ડે ટીમ : શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, અંબાતિ રાયડૂ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડયા, કુલદિપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ખલિલ અહમદ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer