કિવિઝે શ્રીલંકાનો 3-0થી સફાયો કર્યો : આખરી વન ડેમાં 115 રને મહાજીત

કિવિઝે શ્રીલંકાનો 3-0થી સફાયો કર્યો : આખરી વન ડેમાં 115 રને મહાજીત
ટેલર (137) અને નિકોલ્સ (124)ની સદીથી ન્યૂ ઝીલૅન્ડના 364 સામે લંકાના 249
 
નેલસન, તા.8 : પૂર્વ સુકાની રોશ ટેલર અને હેમિલ્ટન નિકોલ્સની આક્રમક સદીથી ન્યુઝિલેન્ડે ત્રીજા અને આખરી વન ડે મેચમાં 115 રને મોટી જીત મેળવીને પ્રવાસી શ્રીલંકાની ટીમનો 3-0થી સફાયો કરીને શ્રેણી કબજે કરી છે. કિવિઝના 50 ઓવરમાં 4 વિકેટે 364 રનના જંગી જુમલા સામે શ્રીલંકાની ટીમ 41.4 ઓવરમાં 249 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. પરેરાએ 80 રનની આતશી ઇનિંગ રમી હતી.
ન્યુઝિલેન્ડ તરફથી શાનદાર ફોર્મમાં રમી રહેલા અને પાછલા પાંચ મેચમાં અર્ધસદી કરી ચૂકેલા ટેલરે આજે શ્રીલંકાના બોલરોની ધોલાઇ કરીને 131 દડામાં 9 ચોક્કા અને 4 છક્કાથી 137 રન કર્યા હતા. જ્યારે નિકોલ્સે 80 દડામાં 12 ચોક્કા અને 3 છક્કાથી 124 રન કર્યા હતા. જ્યારે સુકાની કેન વિલિયમ્સને 65 દડામાં 55 રન કર્યા હતા. તેના અને ટેલર વચ્ચે ત્રીજી વિકેટમાં 116 રનની ભાગીદારી થઇ હતી. જ્યારે ચોથી વિકેટમાં ટેલર અને નિકોલ્સે લંકન બોલરોની ધોલાઇ કરીને 154 રનની ભાગીદારી કરી હતી. આથી કિવિઝના 50 ઓવરના અંતે 4 વિકેટે 364 રન બન્યા હતા. લંકા તરફથી મલિંગાએ 3 વિકેટ લીધી હતી, પણ તેણે આ 10 ઓવરમાં 93 રન આપ્યા હતા.
36પ રનના વિજય લક્ષ્યાંક સામે લંકાની ટીમ 41.4 ઓવરમાં 249 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ન્યુઝિલેન્ડનો 115 રને વિજય થયો હતો. લંકા તરફથી તિસારા પરેરાએ વધુ એક આક્રમક ઇનિંગ રમીને 80 રન કર્યા હતા જ્યારે ડિકવિલાએ 46, સિલ્વાએ 36 અને કુસલ પરેરાએ 43 રન કર્યા હતા. કિવિઝ તરફથી ફરગ્યૂસને 4 વિકેટ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer