અટકળોનો અંત : આઇપીએલ-12 ભારતમાં જ રમાશે

અટકળોનો અંત : આઇપીએલ-12 ભારતમાં જ રમાશે
23 માર્ચથી પ્રારંભ થશે: સત્તાવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે
 
નવી દિલ્હી તા.8: દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ આઇપીએલની 12મી સિઝન કયાં રમાશે તેના પરની તમામ અટકળોનો આજે અંત આવ્યો છે. આઇપીએલ-12 ભારતમાં જ રમાશે. તેવું આજે બીસીસીઆઇની સંચાલન સમિતિ (સીઓએ) દ્વારા જાહેર થયું છે. આઇપીએલ-12નો પ્રારંભ 23 માર્ચથી શરૂ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. નિર્ધારિત સત્તાવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે. આગામી લોકસભાની ચૂંટણીને લીધે આઇપીએલ ફરી આફ્રિકા કે યૂએઇ ખાતે રમાશે તેવી અટકળો અગાઉ થતી હતી. હવે તેના પર પૂર્ણવિરામ મુકાયું છે.
સીઓએની આજે દિલ્હીમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. આ પછી બીસીસીઆઇએ જાહેર કરેલ યાદીમાં જણાવાયું છે કે આઇપીએલ-12ની સિઝન શરૂ કરવાનો પ્રસ્તાવ 23 માર્ચ મુકવામાં આવ્યો છે. પૂરો શેડયૂલ હવે પછી જાહેર થશે. આ પહેલા 2009માં આઇપીએલની પૂરી સિઝન આફ્રિકામાં રમાઇ હતી. જયારે પાછલી લોકસભાની ચૂંટણી દરમિયાન 2014માં આઇપીએલના પ્રારંભના કેટલાક મેચ યુએઇમાં રમાયા હતા. 
રિપોર્ટ અનુસાર આઇપીએલ-12 લગભગ 14 જુલાઇ સુધી સમાપ્ત થઇ શકે છે. કારણ કે ઇંગ્લેન્ડમાં 30 મેથી વર્લ્ડ કપ શરૂ થઇ રહયો છે. આઇપીએલ મોટાભાગે એપ્રિલના પહેલા સપ્તાહમાં શરૂ થાય છે અને મે મહિનાના આખરી સપ્તાહ સુધી રમાઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer