રનમશીન પૂજારા બૅટિંગ ક્રમાંકમાં ત્રીજા સ્થાને

રનમશીન પૂજારા બૅટિંગ ક્રમાંકમાં ત્રીજા સ્થાને
કોહલી ટોચ પર જળવાઇ રહ્યો
 
દુબઈ, તા.8: ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શનને લીધે ટીમ ઇન્ડિયાના રનમશીન ચેતેશ્વર પુજારા આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ટોપ થ્રીમાં આવી ગયો છે. બીજી તરફ આખરી ટેસ્ટમાં અણનમ સદી કરનાર વિકેટકીપર - બેટ્સમેન રીષભ પંતે 21 સ્થાનનો લાંબો કુદકો લગાવ્યો છે. આથી તે શ્રેષ્ઠ ક્રમાંક હાંસલ કરનારો ભારતનો ઓલટાઇમ શ્રેષ્ઠ વિકેટકીપર - બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે ધોનીને પાછળ રાખી દીધો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ચાર ટેસ્ટની શ્રેણીમાં 521 રન કરીને મેન ઓફ ધ સિરીઝ બનનાર ચેતેશ્વર પુજારા આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. પુજારાના હવે 881 રેટિંગ છે. ભારતીય સુકાની વિરાટ કોહલી 922 રેટિંગ સાથે ટોચ પર કાયમ છે. કિવિ કેપ્ટન કેન વિલિયમ્સન બીજા નંબર પર છે. બીજી તરફ અંજિકયા રહાણે ત્રણ સ્થાનના નુકસાનથી 22મા નંબર પર આવી ગયો છે. ટીમ ક્રમાંકમાં કોઇ ફેરફાર નથી. ભારત 116 રેટિંગ સાથે ટોચ પર છે. ઓસ્ટ્રેલિયા (101)ને એક રેટિંગનું નુકસાન થયું છે અને પાંચમા નંબર પર છે.
બોલિંગ ક્રમાંકમાં રવિન્દ્ર જાડેજા એક સ્થાનના ફાયદાથી બીજા નંબર પર આવી ગયો છે. જ્યારે ઓલરાઉન્ડરોની સૂચિમાં તે પાંચમા નંબર પર છે. અશ્વિન નવમા ક્રમે ખસી ગયો છે. કુલદિપ યાદવ સાત ક્રમના ફાયદાથી 4પમા નંબર પર છે. બુમરાહ 16મા, શમી 22મા નંબર પર છે. આફ્રિકાનો રબાડા નંબર વન બોલર છે. કાંગારુ સ્પિનર નાથન લિયોન એક સ્થાનના ફાયદાથી 13મા નંબર પર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer