પ્રતિકૂળ હવામાનથી ચણાના પાકને નુકસાનની આશંકા

પ્રતિકૂળ હવામાનથી ચણાના પાકને નુકસાનની આશંકા
મુંબઈ, તા. 8 : ભારતમાં ઓણ (આ વખતની) સિઝનમાં ચણાનાં ઓછા વાવેતરનાં અહેવાલો વચ્ચે ભારે ઠંડી અને વિપરીત હવામાનનાં કારણે ઊભા પાકને નુકસાન થવાનો ભય ઊભો થયો છે. મધ્યપ્રદેશના ચણાનો પાક લેતા વિસ્તારોમાં ભારે અસર જોવા મળી છે. આવી જ રીતે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ શિયાળામાં તાપમાન ફ્રિઝિંગ પોઇન્ટથી નીચે જતું રહ્યું હોવાથી ચણા અને મસુર સહિતનાં રવિ કઠોળનાં ઊભા પાકને નુકસાન થઇ રહ્યું હોવાના અહેવાલ છે. મધ્યપ્રદેશ ચણાનાં ઉત્પાદનમાં દેશમાં ટોચના સ્થાને છે. 
ખાસ કરીને વિદિશા, સાગર, રાયસેન, ઉજ્જેન, રાયાસિંગપુર તથા દેવાસ જેવા વિસ્તારોમાં ચણાનું વિશેષ વાવેતર થાય છે. આ વિસ્તારોમાં હજારો હેક્ટર જમીનમાં ચણાનાં છોડ ઠંડીનાં કારણે બળી ગયાના અહેવાલ છે. મહારાષ્ટ્રમાં પાછળથી વાવેતર થયેલા વિસ્તારોમાં હજુ ભેજનું પ્રમાણ વધુ હોવાથી પાકને નુકસાન થઈ રહ્યું છે.
ચોથી જાન્યુઆરીએ ઉપલ્બધ થયેલા સરકારી આકડાં પ્રમાણે રવિ કઠોળનાં વાવેતરમાં આ વખતે હજુ 6.44 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે વાવેતર 153.44 લાખ હેક્ટરમાં નોંધાયું હતું જે આ વખતે હજુ 143.56 લાખ હેક્ટરમાં નોંધાયું છે. વાવેતર ઘટવા પાછળનું એ કારણ ચણાનાં ટેકાના ભાવથી નીચે ચાલી રહેલા ભાવને પણ માનવામાં આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer