શૅરબજારમાં ધીમા સુધારે નિફ્ટી 30 પૉઇન્ટ વધીને 10,802

શૅરબજારમાં ધીમા સુધારે નિફ્ટી 30 પૉઇન્ટ વધીને 10,802
અગ્રણી શૅરોમાં ઊંચા ભાવે સતત નફાતારવણી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : ક્રૂડતેલના ભાવમાં સ્થિરતા સાથે રૂપિયામાં મજબૂતી સાથે એશિયા અને અમેરિકાનાં શૅરબજારમાં સતત સુધારાની હૂંફે સ્થાનિક બજારમાં આજે સુધારો આગળ વધ્યો હતો. એનએસઈ ખાતે નિફ્ટી ટ્રેડિંગના અંતે 30 પોઇન્ટ વધીને 10,802.15 બંધ હતો. જોકે એફઆઈઆઈ અને સ્થાનિક સંસ્થાઓની મુખ્ય શૅરમાં ઊંચા ભાવે નફાતારવણી આવી રહી હોવાથી બજારમાં મોટી ઊંચાઈની આશા ઠગારી નીવડશે એમ બજારનાં સૂત્રો માને છે. આરબીઆઈ સંભવત: સરકારને વચગાળાના ડિવિડન્ડ તરીકે રૂા. 40,000 ચૂકવશે એવી અટકળોને લીધે બૅન્કિંગ શૅરોમાં આજે નવો ચમકારો હતો. અગાઉ દબાયેલ આયશર મોટર્સ અને બજાજ ઓટો અને મારુતિ સુઝુકી વધ્યા હતા. આજે એફએમસીજી, તેલગૅસ અને મેટલ ક્ષેત્રના કેટલાક શૅરો પર દબાણ હતું. એનએસઈ અને નિફ્ટી અગાઉના બંધથી ઉપરમાં 10,786 ખૂલીને 10,818 ગયા પછી ઘટીને 10,733નું બોટમ ટચ કરીને ટ્રેડ અંતે 10,802.15 બંધ હતો. જેથી બીએસઈ સેન્સેક્ષ 131 પોઇન્ટના સુધારે 35,981 બંધ રહ્યો હતો.
એનએસઈ ખાતે નિફ્ટીના અગ્રણી 27 શૅરના સુધારા સામે 23 શૅરના ભાવ ઘટયા હતા. ક્ષેત્રવાર મેટલ ઇન્ડેક્સ સ્થિર રહેવા સામે એફએમસીજી, ક્રૂડતેલ અને સિમેન્ટ ઇન્ડેક્સ ઘટાડે હતા. વ્યક્તિગત શૅરમાં ગૃહ ફાયનાન્સ 16 ટકા અને બંધન બૅન્ક વધુ 9 ટકા સુધી દબાયો હતો જ્યારે વીઆઈએક્સ વોલટાલીટી ઇન્ડેક્સમાં સકારાત્મકતા ચાલુ રહી છે. આજે બ્રિટાનિયા ટ્રેડ દરમિયાન રૂા. 50થી વધુ ઘટાડે હતો. બીએસઈ ખાતે મીડકેપ ઇન્ડેક્સ 0.16 ટકા ઘટવા સામે સ્મોલકેપ 0.17 ટકા સુધારે હતો. નિફ્ટી પીએસયુ બૅન્કેક્સ 2.77 ટકા વધ્યો હતો.
નિફ્ટીમાં અગ્રણી ક્ષેત્રવાર સુધરનાર શૅરોમાં બૅન્કિંગમાં યસ બૅન્ક રૂા. 5, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 12 વધીને નવી ટોચે બંધ હતો. એસબીઆઈ રૂા. 9, એક્સિસ બૅન્કમાં રૂા. 13નો નોંધપાત્ર વધારો થયો હતો. જોકે કોટક મહિન્દ્રા 1 ટકા ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે બજાજ ઓટો રૂા. 36, આયશર મોટર્સ રૂા. 214, મારુતિ રૂા. 77, તાતા મોટર્સ 8.5, ફાર્મામાં ડૉ. રેડ્ડીસ રૂા. 12, સનફાર્મા રૂા. 17, ટીસ્કો રૂા. 6, ગ્રાસીમ રૂા. 16 અને ઇન્ડિયાબુલ્સમાં રૂા. 19નો વધારો નોંધાયો હતો.
આજે ઘટાડામાં મુખ્ય એચયુએલ રૂા. 14, એચડીએફસી રૂા. 14, એચડીએફસી બૅન્ક રૂા. 16, બીપીસીએલ, એચપીસીએલ અને ગેઇલમાં રૂા. 2થી 4નો ઘટાડો થયો હતો. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એલએન્ડટીના ભાવ સ્થિર હતા.
આજનો નિફ્ટીનો બંધ અગાઉના રેસીસ્ટન લેવલ પર હોઈ હવે આવતી કાલે 10,852 ઉપર બંધ જરૂરી રહેશે. બજારના ઘટાડામાં નીચે 10,702 અને 10,650ના ટેકાના લેવલ મહત્ત્વપૂર્ણ બને છે.
વૈશ્વિક-એશિયન બજાર
અમેરિકા ખાતે ડાઉજોન્સ ઇન્ડેક્સ 98 પોઇન્ટ અને નાસ્દાક 84 પોઇન્ટ ઊંચે રહ્યો હતો. જેથી એશિયન બજારના શૅરોમાં બીજા દિવસે સુધારો જળવાયો છે. ફેડ દ્વારા વ્યાજ વધારવા ઉતાવળ નહીં થવાના સંકેતથી એશિયા પેસીફીક શૅરનો બ્રોડેસ્ટ ઇન્ડેક્સ એમએસસીઆઈ 0.1 ટકા અને જપાન ખાતે નિફ્ટીમાં 1 ટકાનો સંગીન સુધારો હતો. જોકે, ક્રૂડતેલના ઉત્પાદનમાં આગળ ઉપર કામના લીધે ભાવમાં સુધારો જળવાય તેવી શક્યતા જોવાઈ રહી છે જેથી બજારમાં થોડી સાવધાનીનો માહોલ છે. દરમિયાન હૉંગકૉંગ ખાતે હેંગસેંગમાં 39 પોઇન્ટનો સુધારો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer