સરકારે કહ્યું, નાગરિકતા ખરડો ફક્ત આસામ માટે નથી, વિપક્ષનો વૉકઆઉટ

ખરડાના વિરોધમાં આસામમાં હિંસક બંધ: અનેક સ્થાને ચક્કાજામ, વાહનોમાં તોડફોડ
 
નવીદિલ્હી, તા.8: લોકસભામાં આજે નાગરિકતા સંશોધન ખરડા સામે કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષી દળોએ સરકારના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા અને ગૃહત્યાગ કરી ગયા હતા. વિપક્ષોએ ઉઠાવેલા સવાલોનો જવાબ આપતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે આ ખરડાથી આસામમાં એનઆરસી જેવો કોઈ પ્રભાવ પડશે નહીં અને આ ખરડો ફક્ત આસામ પૂરતો પણ નથી. આ ખરડો દેશનાં પશ્ચિમી ભાગોમાં આવીને વસતા શરણાર્થીઓ માટે છે. બીજીબાજુ આસામમાં આજે આ મુદ્દે ભડકો થઈ ગયો હતો અને 11 કલાકનાં બંધ દરમિયાન જનજીવન ખોરવાઈ ગયું હતું. ધોરીમાર્ગો ઉપર ચક્કાજામ કરીને લોકોએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલનાં વતન દિબ્રુગઢમાં તેમના નિવાસે દેખાવકારોએ ઘેરાવ કર્યો હતો.
લોકસભામાં ચર્ચા દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે સરકાર એનઆરસી માટે પ્રતિબદ્ધ છે. એનઆરસીમાં પણ કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં. બીજીબાજુ કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગેએ નાગરિકતા સંશોધન ખરડાને સંસદની સિલેક્ટ કમિટીને મોકલવા માટે માગણી ઉઠાવી હતી. જેને સ્પીકર સુમિત્રા મહાજને નકારી દીધી હતી. ત્યારબાદ સાંસદોએ આ ખરડા વિરોધી સૂત્રોચ્ચાર કરતાં વોકઆઉટ કર્યું હતું. આ ખરડાનો વિરોધ માત્ર કોંગ્રેસ જ નહીં પણ તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ, સપા અને ભાજપનાં જ બે સાથી પક્ષ એજીપી અને શિવસેના પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ખરડો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગલાદેશ સહિતના દેશોમાંથી ભારતમાં ગેરકાયદે ઘૂસી અને વસી ગયેલા બિનમુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની વ્યવસ્થા કરે છે. 
બીજીબાજુ આસામનાં છાત્ર સંગઠને આજે દિબ્રુગઢમાં ભાજપનાં કાર્યાલયમાં હલ્લો બોલાવ્યો હતો અને તોડફોડ મચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે સુરક્ષાદળોએ દેખાવકારોનાં ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. છાત્ર સંગઠને આજે આસામ બંધનું એલાન કર્યું હતું અને તેને પગલે રાજ્યમાં જનજીવનને માઠી અસરો થઈ હતી. એક ધોરીમાર્ગોને પ્રદર્શનકારીઓએ બ્લોક કરી દીધા હતા અને મુખ્યમંત્રીના નિવાસને ઘેરાવનો પ્રયાસ પણ થયો હતો. ઘણાં સ્થાનો ઉપર ટાયર અને પૂતળાં સળગાવીને દેખાવો થયા હતા તો વાહનોમાં તોડફોડની ઘટનાઓ પણ બની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer