ચીને તિબેટમાં ભારતીય સીમાએ ગોઠવી હોવિત્ઝર તોપ

બીજિંગ, તા.8 : ભારતથી અડીને આવેલા તિબેટમાં ચીનની ગતિવિધિઓ વધી ગઈ છે. આ ક્ષેત્રમાં હળવી યુદ્ધ ટેન્ક ગોઠવ્યા બાદ હવે હોવિત્ઝર તોપોને પણ તૈનાત કરી છે. ચીનના સત્તાવાર મીડિયાએ આજે જણાવ્યું હતું કે સીમા પર સૈન્યની ક્ષમતા વધારવા માટે મોબાઈલ હોવિત્ઝર તોપોની તૈનાતી કરી છે. 
ચીનના સરકારી અખબાર `ગ્લોબલ ટાઈમ્સ' અનુસાર સ્વાયત્ત ક્ષેત્ર તિબેટમાં પીપલ્સ લિબરેશન આર્મીને મજબૂતી બક્ષવા માટે મોબાઈલ હોવિત્ઝર તોપો ગોઠવવામાં આવી છે. ખાસ કરીને સીમાની સલામતીને વધારવા માટે આ કદમ ભરવામાં આવ્યું છે.
ચીની સેનાના જાણકારોને ટાંકીને અપાયેલા હેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ પીએલસી-181 મોબાઈલ હોવિત્ઝર તોપોને વાહનો પર લઈ જઈ શકાશે.
હેવાલ અનુસાર શનિવારે પીએલએએ પોતાના વી-ચેટ એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી હતી. હેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 2017માં ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે થયેલા ગતિરોધ દરમ્યાન પણ આ તોપોનો ઉપયોગ તિબેટમાં કરવામાં આવ્યો હતો.
મિલિટરી વિશેષજ્ઞ સોન્ગ ઝોન્ગપિંગે ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું હતું કે હોવિત્ઝર તોપ 50 કિલોમીટર સુધીની રેન્જ સુધી માર કરી શકે છે. 
સોન્ગે વધુમાં જણાવ્યું હતું કે તેનાથી પીએલએને તિબેટના અધિક ઊંચાઈવાળા વિસ્તારોમાં મદદ મળશે. ચીને તિબેટમાં હળવી યુદ્ધ ટેન્કની તૈનાતી બાદ આ તોપો ગોઠવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય  છે કે આ પહેલાં જ્યારે ભારત અને ચીન વચ્ચે ડોકલામનું કોકડું સર્જાયું હતું ત્યારે તિબેટમાં કરાયેલા યુદ્ધાભ્યાસ દરમ્યાન ચીને તેનું પરીક્ષણ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer