બેસ્ટ યુનિયનમાં ફાટફૂટ : આજે થોડી બસો દોડે એવી શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : સુધારિત વેતન કરાર, `બેસ્ટ'નું પાલિકામાં વિલીનીકરણ અને કામદારોના રહેઠાણનો પ્રશ્ન હલ કરવા સહિત વિવિધ માગણીના સમર્થનમાં `બેસ્ટ' કામદારોની હડતાળને કારણે મુંબઈગરાને ભારે અગવડ સહન કરવી પડી હતી. મુંબઈના માર્ગો બસો વિનાના જોવા મળતા હતા. અનેક સ્થળોએ રિક્ષા અને ટૅક્સીચાલકોએ પ્રવાસીઓ પાસે મોંમાગ્યા દામ પડાવ્યા હતા.
`બેસ્ટ' કામગાર સેનાએ બંધમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. `બેસ્ટ'ની એક પણ બસ આજે ડેપોમાંથી બહાર નીકળી નહોતી, પરંતુ આવતી કાલે વત્તેઓછે અંશે બસો ડેપોમાંથી બહાર નીકળી શકે છે. બેસ્ટ કામગાર સેનાના નેતાઓએ દાવો કર્યો છે કે બુધવારે ડેપોમાંથી 500થી 700 બસો બહાર નીકળશે એથી મુંબઈગરાને બસની હડતાળમાંથી થોડી રાહત મળી શકશે.
દસ બસને નુકસાન
2910માંથી એક પણ બસ ડેપોમાંથી બહાર નીકળી નહોતી. 1647માંથી 18 બસ ડ્રાઇવર, 8030માંથી સાત કંડક્ટર, 387માંથી 121 બસ ડ્રાઇવર અને 434માંથી 38 બસ સ્ટાર્ટર ફરજ ઉપર હાજર હતા. મધરાત પછી પથ્થરમારાની ઘટનામાં દસ બસોને નુકસાન થયું હતું.
વિદ્યાર્થીઓને છૂટ
મુંબઈ વિદ્યાપીઠની આજે 17 પરીક્ષાઓ હતી. તેમાં કાયદાશાસ્ત્ર, એમએસસી, એમકૉમ, બી.એડ, એમપીએડ, બીપીએડ, બી.એડ (સ્પેશિયલ એજ્યુકેશન) અને એમએડની પરીક્ષાનો સમાવેશ થતો હતો. તેથી વિદ્યાપીઠે સૂચના આપી હતી કે પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ મોડા પહોંચે તો પણ તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer