પોલીસે લીધેલી લાંચની રકમ પાછી જોઈએ છે? તો આ કીમિયો અજમાવો

મુંબઈ, તા. 8 : પોલીસે તમારી પાસેથી લાંચ લીધી હોય અને એ રકમ જો તમને પાછી જોઈતી હોય તો મીરારોડમાં એક મીડિયા પ્રોફેશનલોએ અજમાવેલો કીમિયો અજમાવવા જેવો છે.
આ મીડિયા પ્રોફેશનલે એવો આક્ષેપ કર્યો છે કે રવિવારે તે તેના મિત્રો સાથે કારમાં બિયર પી રહ્યો હતો. ત્યારે બે કૉન્સ્ટેબલે ખરાબ વ્યવહાર કર્યો હતો અને લાંચ પણ લીધી હતી. પોલીસે મને લાફો પણ માર્યો હતો.
આ ઘટના બાદ મીડિયા પ્રોફેશનલે આખી ઘટના પોલીસને ટ્વીટ કરીને જણાવી હતી અને તરત જ પોલીસે લાંચની રકમ મીડિયા પ્રોફેશનલને પાછી આપી દીધી હતી.
મીડિયા પ્રોફેશનલ રોશન કોકણેએ રવિવારે રાત્રે પોલીસને કરેલી ટ્વીટમાં જણાવ્યું હતું કે કારમાં અમે દારૂ પી રહ્યા હતા ત્યારે તમારા હવાલદારે અપશબ્દો વાપર્યા હતા અને મને લાફો માર્યો હતો. મને જે માનસિક યાતના થઈ રહી છે એ મારે તમને કહેવી નથી. એકબીજાને ભેંટી રહેલા કપલ સાથે પણ તેણે દુર્વ્યવહાર કર્યો હતો.
તેણે પોલીસને કરેલી ટ્વીટમાં કહ્યું હતું કે આ માટે તમે તમારા હવાલદારોને રસ્તા પર ફરજ માટે મોકલો છો. સારા લોકોને હેરાન કરવા અને તેમની પાસેથી પૈસા પડાવવા? તેણે મારા પાસેથી ત્રણ હજાર લીધા હતા. આ બરાબર છે? અમે ઘટનાનું રેકોર્ડિંગ ન કરી શકીએ એ માટે તેણે અમારા મોબાઇલ ફોન પણ લઈ લીધા હતા. આ હવાલદાર મને પોલીસ સ્ટેશને લઈ જઈ સન્માનથી એફઆઈઆર ફાઇલ કરી શક્યો હોત. તેણે અમારી કારની પણ સર્ચ વૉરંટ વગર ઝડતી લીધી હતી અને અમારી સામે ખોટા કેસ ફાઇલ કરવાની ધમકી આપી હતી.
આ ટ્વીટ પછી કંટ્રોલ રૂમે રોશન કોકણેને કાશી મીરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં લાંચિયા પોલીસની ઓળખ કરવાનું રોશન કોકણેને કહેવામાં આવ્યું હતું પણ જવાબદાર હવાલદાર હાજર નહોતો. એક અૉફિસરે રોશન કોકણેને ત્રણ હજારની રકમ આપી દીધી હતી અને પોલીસ સ્ટેશનમાંથી ચાલતી કરવાનું કહેવામાં આવ્યું હતું.
પોલીસે કહ્યું હતું કે કોઈ પોલીસ અૉફિસરે રોશન કોકણેને 3000ની રકમ પાછી આપી છે તો અમે તેની તપાસ કરીશું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer