મોદી સરકાર દલિતવિરોધી નથી એ સિદ્ધ થયું : પાસવાન

આનંદ કે. વ્યાસ તરફથી
નવીદિલ્હી, તા. 8: કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું હતું કે મોદી સરકારને દલિત વિરોધી કહેવામાં આવતી હતી પણ એસસી-એસટી એક્ટને ત્રણ દિવસમાં સંસદમાં પસાર કરીને સુપ્રીમ કોર્ટનો આદેશ ઉલટાવવામાં આવ્યો હતો. મંડલ કમિશન વખતે પણ આર્થિક આધારે અનામત આપવાની વાત હતી પણ કાનૂની આધારે તે થઈ શક્યું નહોતું. આ ખરડામાં કોઈ જ ભેદભાવ પણ નથી અને તમામ ધર્મનાં લોકો તેમાં સામેલ છે.
એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુલેએ 17 દિવસથી સત્ર ચાલતું હતું પણ આખરી સત્રમાં જ તેને લાવવાની જરૂર શું પડી? ગરીબો માટે કોઈ સરકાર પહેલીવાર કોઈ ખરડો લાવી હોય તેવું પણ નથી. ગરીબોનાં હિતને સમર્થન જ છે પણ આ ખરડો ફક્ત ચૂંટણી જુમલો સાબિત ન થવો જોઈએ. સપાનાં સાંસદ ધમેન્દ્ર યાદવે પણ આ ખરડાને સમર્થન જાહેર કર્યુ હતું પરંતુ જે પ્રકારે આ ખરડો લવાયો તેને અયોગ્ય ગણાવ્યું હતું.
આપનાં સાંસદ ભગવંત માને આ ખરડાને ચૂંટણી કરતબ ગણાવ્યું હતું અને સરકારની દાનત સાફ હોત તો પહેલા સત્રમાં ખરડો લવાયો હોત તેમ કહ્યું હતું. જ્યારે રાજદે આ ખરડાનો વિરોધ કર્યો હતો અને સાંસદ જયપ્રકાશ નારાયણ યાદવે કહ્યું હતું કે દલિતો-પછાતોને 85 ટકા અનામત આપીને બાકીની અનામત અન્યને આપવી જોઈએ. રાજદ આવી આર્થિક અનામતનો વિરોધ કરે છે. જ્યારે એનડીએમાંથી છૂટા પડેલા આરએલએસપીનાં ઉપેન્દ્ર કુશવાહાએ પણ કહ્યંy હતું કે માત્ર આરક્ષણથી નોકરી મળે તેવું હોતું નથી. તેનાંથી આર્થિક સમૃદ્ધિ નથી આવતી. કોંગ્રેસનાં દીપેન્દ્ર હુડ્ડાએ સરકારની આ નીતિને સાચી ગણાવી હતી પણ સાથોસાથ ટકોર પણ કરી હતી કે તે માત્ર જુમલો સાબિત થવું જોઈએ નહીં.
એઆઈએમઆઈએમનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ખરડાનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ બંધારણ સાથે દગો છે અને બાબાસાહેબ આંબેડકરનું અપમાન છે. બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે આ ખરડો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer