સિંગાપોરના મરીના બૅ જેવી ક્રૂઝની મજા હવે મુંબઈમાં પણ માણી શકાશે

ઝૅન ક્રૂઝીસ કંપનીએ શરૂ કરી `જલઈશ ક્રૂઝ', એપ્રિલ મહિનાથી દેશ-વિદેશમાં કરાવશે પ્રવાસ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : ક્રૂઝની ભવ્યતાનો અનુભવ કરવા માટે ભારતીયો મોટા ભાગે સિંગાપોર, અૉસ્ટ્રેલિયા અને દુબઈ ફરવા જાય છે. પરંતુ હવે તેઓ ભારતમાં જ ક્રૂઝનો અનુભવ માણી શકે અને તેમાં દેશ-વિદેશમાં મુસાફરી કરી શકે તે માટે ઝૅન ક્રૂઝીસ કંપનીએ `જલઈશ ક્રૂઝ' બનાવી છે. એપ્રિલ મહિનાથી શરૂ થનારી આ ક્રૂઝ ભારતીયોની પસંદગી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવી છે. 
ઝૅન ક્રૂઝીસ કંપનીએ ભારતીયોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળે ક્રૂઝિંગનો અનુભવ કરાવવા માટે એક ક્રૂઝ લોન્ચ કરી છે. જે 17 એપ્રિલે સાંજે પાંચ વાગે મુંબઈ પોર્ટ ટ્રસ્ટથી સફરની શરૂઆત કરશે. 
2,000 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝની પરંપરાગત નામવિધિ કરીને `જલઈશ ક્રૂઝીસ' નામ આપવામાં આવ્યું છે. આ ક્રૂઝમાં મનોરંજનથી માંડીને સાંસ્કૃતિ સુધીની ઝાંખી જોવા મળશે. મધદરિયે ક્રૂઝમાં મનોરંજનના કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મૅજિક શો વગેરેનો અનુભ કરી શકાશે. ક્રૂઝમાં દાખલ થતા જ આંતરરાષ્ટ્રીય સ્તરનો અતિથિ સત્કાર કરવામાં આવશે અને ઉત્તમ દરજ્જા આતિથ્યનો પણ અનુભવ થશે. ક્રૂઝમાં સ્વિમિંગ પુલ, લાઈબ્રેરી, ડિસ્કો થૅક, લૉન્જ, પ્લે એરિયા, મલ્ટિ ક્યુઝિન અને શાકાહારી ભોજન સાથે અન્ય સુવિધાઓ પણ છે. તેમ જ ક્રૂઝના રૂમન ડિઝાઈન વૃદ્ધો અને દિવ્યાંગોને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવી છે. આ ક્રૂઝ ભારતમાં ચેન્નઈ, કોચી, મર્મગોવા, મુંબઈ, વિઝાગ અને આંતરરાષ્ટ્રીય સ્થળોમાં અબુધાબી, કોલંબો, દુબઈ, મસ્કત, પેનાંગ, રાસ અલ ખૈમાહ અને સિંગાપોર સહિતના સ્થળોએ પ્રવાસ કરાવશે. 
ઝૅન ક્રુઝીસના પ્રમુખ અને સીઈઓ જર્જેન બેઈલોમે કહ્યું હતું કે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દરિયાઓમાં ભારતીયોને શ્રેષ્ઠ પ્રવાસનો અનુભવ કરાવવા માટે જ કંપનીએ જલઈશ ક્રૂઝ લોન્ચ કરી છે. ઝૅન ક્રૂઝીસનો મુખ્ય ઉદ્દેશ ભારતીયોના જીવનને ર્સ્પશવાનો અને 2025 સુધી તેમને દુનિયાની સફર કરવા પ્રેરિત કરવાનો છે. ક્રૂઝના લોન્ચિંગ પ્રસંગે મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચૅરમૅન સંજય ભાટિયા અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના ગૃહ ખાતાના ટ્રાન્સપોર્ટ અને પોર્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી આશિષ કુમાર સિંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. 
એપ્રિલ મહિનાથી શરૂ થઈ રહેલી જલઈશ ક્રુઝનું બુકિંગ વૅબસાઈટ www.jaleshcruises.com પર શરૂ થઈ ગયું છે. ઝૅન ક્રૂઝીસના ભારતમાં વ્યાપાર શરૂ કરવાથી વીસ લાખ ભારતીયોને રોજગાર ઉપલબ્ધ થશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer