આલોક વર્મા પરનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો વડા પ્રધાન માટે `બોધપાઠ'' સમાન : કૉંગ્રેસ

રફાલ સોદાની તપાસમાંથી હવે મોદીજીને કોઈ બચાવી નહીં શકે : રાહુલ
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 : સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને હોદ્દા પર પાછા લેવાનો આદેશ આપતા સર્વોચ્ચ અદાલતના મંગળવારના ચુકાદાને વધાવતાં કૉંગ્રેસે જણાવ્યું હતું કે આ ચુકાદાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જરૂર `બોધપાઠ' મળ્યો હશે.
`મોદીજી, તમે કાયદા અને બંધારણ સાથે છેડછાડ ન કરી શકો એટલે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો તમારા માટે બોધપાઠ બની રહે.' કૉંગ્રેસના કૉમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટના વડા રણદીપ સૂરજેવાલાએ અત્રે પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે સરકારો આવશે અને જશે પરંતુ આપણી સંસ્થાઓની બંધારણીય અખંડતા અકબંધ રહેશે.
વડા પ્રધાન પર આકરા પ્રહાર કરતાં કૉંગ્રેસના આ નેતાએ જણાવ્યું હતું કે આ ચુકાદા મોદી સરકારની નીતિઓ અને નિર્ણયો પર તમાચા સમાન છે. સરકારે મધરાતે સીબીઆઇના ડિરેક્ટરને ગેરકાયદે હટાવ્યા એના પરથી એવો સંકેત મળતો હતો કે રફાલ સોદાની તપાસથી સરકાર ગભરાતી હતી એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અગાઉ કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હવે સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ રફાલ સોદાની તપાસમાંથી વડા પ્રધાનને કોઈ બચાવી શકશે નહીં. તેઓ રફાલથી દૂર ભાગી શકશે નહીં. આ હવે અશક્ય છે. તેમણે અમારી સાથે લોકોની અદાલતમાં રફાલ વિશે ચર્ચા કરવી જૅતી હતી. હવે તેમને કોઈ રફાલ તપાસમાંથી બચાવી શકે નહીં. કોઈ સત્યથી દૂર ભાગી શકે નહીં એમ રાહુલે વધુમાં જણાવ્યું હતું.
સીબીઆઇના ડિરેક્ટર વર્મા પાસેથી તેમની સત્તાઓ છીનવી લેતા કેન્દ્રના નિર્ણયને બાજુએ મૂકીને તેમને ફરીથી હોદ્દા પર પ્રસ્થાપિત કરવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ કૉંગ્રેસે આ પ્રહારો સરકાર પર કર્યા હતા. કોર્ટે જોકે વર્મા સામેના ભ્રષ્ટાચારના આરોપોની સીવીસી દ્વારા તપાસ થાય ત્યાં સુધી તેમને કોઈ પણ નીતિવિષયક નિર્ણયો લેવાથી દૂર રાખ્યા છે.
દરમિયાન નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે અદાલતે સરકારના વલણનું `પુન: અર્થઘટન' કર્યું છે. આલોક વર્મા અને તેમના ડેપ્યુટી રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાનું સરકારનું પગલું સાચું હતું અને એ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ની ભલામણો પર આધારિત હતું. સરકારે નિષ્પક્ષ તપાસ અને સીબીઆઇની વિશ્વસનીયતાના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું હતું એમ જેટલીએ વધુમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer