બીલ્ડરે ફ્લૅટનું પઝેશન મોડું કર્યું એટલે બે ખરીદદારને મહિનામાં

1.04 કરોડ રૂપિયા પાછા આપવા પડશે
 
પુણે, તા. 8 : પઝેશન આપવામાં બીલ્ડરે મોડું કર્યું તો મહારેરાએ બીલ્ડરને 30 દિવસમાં બન્ને ખરીદદારને 1.04 કરોડ રૂપિયા પાછા આપવાનું કહ્યું છે. પુણેના ખરાડી વિસ્તારમાં આવેલા અમી એસ્ટેટ એલએલપીના લે રેવે પ્રોજેક્ટમાં 22 માળના બે ટાવર બની રહ્યાં હતાં. તેમાં ભરત ગોકલ અને તેમની દીકરીએ સપ્ટેમ્બર 2013 માં પહેલા બિલ્ડિંગમાં બીજે માળે 201 અને 202 એમ બે ફ્લૅટ બુક કરાવ્યા હતા. ડેવલપરે પઝેશનની તારીખ 2017 થી 31 ડિસેમ્બર 2021 કરતાં ખરીદદારોએ યોજનામાંથી ખસી જવાની અને પૈસા પાછા આપવાની ફરિયાદ નોંધાવી હતી. ખરીદદારોએ પહેલા ફ્લૅટની કિંમતના 74 ટકા અને બીજા ફ્લૅટની કિંમતના 94 ટકા પૈસા ભરી દીધા હતા. 
જૂન 2018 માં મહારેરાના અધિકારી ગૌતમ ચેટરજીએ આ ફરિયાદ પુણે બેન્ચમાં સોંપી હતી. સુનાવણી દરમ્યાન ડેવલપરે કહ્યું હતું કે, પઝેશન આપવામાં મોડું જાણીજોઈને નહોતું કરવામાં આવ્યું. પ્લાનિંગ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ફેરફાર અને સ્થાનિકો દ્વારા ક્લિયરન્સ ન મળ્યું હોવાથી મોડું થયું છે. યોજના પૂરી કરવા માટે 11 કરોડના ખર્ચે ડિસેમ્બર 2017 માં ટીડીઆર ખરીદ્યું હતું. તેમ જ મુશ્કેલીઓ હતી એટલે અત્યાર સુધી ફક્ત ચાર ફ્લૅટનું જ બુકિંગ લીધું હતું.  
મહારેરાના સભ્ય એમ. વી. કુલકર્ણીએ કહ્યું હતું કે, એગ્રિમેન્ટની શરતો મુજબ જો બીલ્ડર પઝેશન ન આપે તો ખરીદદારો રિફન્ડ માગી શકે છે. ખરીદદારોને કુલ રકમ સાથે 10.70 ટકા વ્યાજ આપવું એ યોગ્ય છે. પરંતુ ઉપરથી પાંચ લાખ રૂપિયાની ખરીદદારો માગણી કરે તે યોગ્ય નથી. પહેલા ફ્લેટના 39.44 લાખ રૂપિયા અને બીજા ફ્લેટના 65.45 લાખ રૂપિયા 10.70 ટકાના વ્યાજ સાથે ચૂકવવાના રહેશે. 
અમી એસ્ટેટ એલએલપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખરીદદારોને પૈસા પાછા આપવા માટે ઈમેલ કરવામાં આવ્યા હોવા છતાં તેમણે રિપ્લાય કર્યો નહોતો. પરંતુ કોર્ટના આદેશ સાથે આ ઘટનાનો અંત આવ્યો એ સારું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer