મ્હાડાની લૉટરી વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી

રાજ્ય સરકારના પ્રોજેક્ટમાં ઘર ગુમાવનારાઓને મ્હાડા ઘર આપતી ન હોવાનો આક્ષેપ
 
મુંબઈ, તા. 8 : મ્હાડાએ મુંબઈનાં 1384 ઘર માટેની લૉટરીના કરેલા ડ્રૉ વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી નોંધાવવામાં આવી છે અને કોર્ટે પણ એના પર મ્હાડાને જવાબ નોંધાવવાનો આદેશ આપ્યો છે.
રાજ્ય સરકારના વિવિધ વિકાસ પ્રકલ્પમાં ઘર ગુમાવનારાઓ માટેનાં ઘર મ્હાડાએ અન્યોને વેચી માર્યાં હોવાનો આક્ષેપ કમલાકર શેણોય નામની વ્યક્તિએ જનહિતની અરજી દ્વારા કર્યો છે. રાજ્ય સરકારની વિકાસ નિયંત્રણ નિયમાવલિ મુજબ આ ઘરોનું વેચાણ કરવું ગેરકાયદે છે. આ ઘરો રાજ્ય સરકારના વિવિધ વિકાસ અને પુનર્વિકાસ પ્રોજેક્ટમાં ઘર ગુમાવનારાઓને મળવાં જોઈએ એવો દાવો તેમણે અરજીમાં કર્યો છે.
એ અરજીની સોમવારે થયેલી સુનાવણીમાં મ્હાડાએ અરજી કરનારના આક્ષેપનું ખંડન કર્યું હતું અને દાવો કર્યો છે કે લૉટરીમાં ડ્રૉમાં લોકોને લાગેલાં ઘરો વિકાસ નિયંત્રણ નિયમાવલિ અંતર્ગત આવતાં નથી.
એની સામે મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને નીતિન જામદારની ખંડપીઠે મ્હાડાને પ્રતિજ્ઞાપત્ર દ્વારા પોતાનું નિવેદન નોંધાવવાનો આદેશ આપ્યો હતો અને એ વખતે પૂછ્યું હતું કે વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત ઘર ગુમાવનારાઓ અને વર્ષોથી પુનર્વસનની પ્રતીક્ષા કરી રહેલાઓનું શું થયું? જોકે એવું કહીને એ સંદર્ભે સ્પષ્ટતા કરવાનો આદેશ પણ ખંડપીઠે મ્હાડાને આપ્યો છે. એ માટે કોર્ટે મ્હાડાને ત્રણ અઠવાડિયાંનો સમય આપ્યો છે.
વિકાસ નિયંત્રણ નિયમાવલિ મુજબ જે બીલ્ડર મુંબઈની જૂની અને ઉપકરપ્રાપ્ત ઇમારતનું રિડેવલપમેન્ટ કરે તેણે અમુક ઘર મ્હાડાને આપવાં પડે છે અને એના બદલામાં બીલ્ડરને વધારાની એફએસઆઇ મળે છે. મ્હાડાને મળેલાં ઘર વેચી ન શકાય, પણ એ ઘર જેમણે સરકારના પ્રોજેક્ટમાં ઘર ગુમાવ્યાં હોય કે જેમનાં ઘરોનું રિડેવલપમેન્ટ-રિપેરિંગ ચાલતું હોય એવા લોકોને મ્હાડાએ આપવાનાં હોય છે, પણ મ્હાડાએ લૉટરીનો ડ્રૉ કરીને એ ઘર વેચી માર્યાં છે એવો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer