પ.બંગાળ, ઓડિશા અને કર્ણાટકમાં ભારત બંધની માઠી અસર

પ.બંગાળ, ઓડિશા અને કર્ણાટકમાં ભારત બંધની માઠી અસર
પશ્ચિમ બંગાળમાં તોફાની દેખાવકારોએ સ્કૂલ બસને નિશાન બનાવી: માર્ગ અને રેલ પરિવહન ખોરવાયું: દેશમાં બંધની મિશ્ર અસર
 
નવીદિલ્હી, તા.8: દસ કામદાર સંઘો દ્વારા વિભિન્ન મુદ્દે બે દિવસ ભારત બંધનાં કરવામાં આવેલા એલાનનાં આજે પ્રથમ દિવસે દેશનાં વિભિન્ન ભાગોમાં જનજીવનને માઠી અસરો થઈ હતી. બસ અને ટ્રેન વ્યવહારો ખોરવાતાં ઘણાં રાજ્યોમાં મુસાફરો રઝળી પડયા હતાં. 20 કરોડ કાર્મચારીઓની આ હડતાલને પગલે આશરે ડઝન ટ્રેનો રદ થઈ હતી. જ્યારે 20 જેટલી ટ્રેનોની સેવા ખોરવાઈ હતી. ભારત બંધની સૌથી વધુ અસર પશ્ચિમબંગાળ, ઓરિસ્સા અને કર્ણાટકમાં વર્તાઈ હતી. દેશનાં અન્ય ભાગોમાં બંધની મિશ્ર અસરો જોવા મળી હતી.
દેશનાં આર્થિક પાટનગર મુંબઈમાં બેસ્ટની બસોનાં 33 હજાર કર્મચારી હડતાલ ઉપર ઉતરતા પૈડાં થંભી ગયા હતાં. જેને પગલે 2પ લાખ મુસાફરોને માઠી અસર થઈ હતી. તો અન્ય રાજ્યોમાં દેખાવકારોએ માર્ગો ઉપર ઉતરીને રસ્તા જામ કરી દીધા હતાં અને ટ્રેનો અટકાવી હતી. બંગાળમાં પ્રદર્શનકારીઓએ હિંસક બનતાં ઉત્તર 24 પરગના જિલ્લાનાં બારાસાતમાં એક સ્કૂલ બસ ઉપર હુમલો બોલાવી દીધો હતો. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ બંધ મુદ્દે આક્રમક પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ વિશે તેઓ એક પણ શબ્દ વેડફવા માગતા નથી. બંધનાં નામે તોફાન બહુ થયા. આવા કોઈ પગલાંને સમર્થન ન હોય. તેમણે રાજ્યનાં કર્મચારીઓની આ બે દિવસ દરમિયાન કોઈ રજા મંજૂર નહીં કરવાનું ફરમાન પણ કર્યુ હતું.
આ બંધમાં દેશના કેટલાંક કિસાન અને શિક્ષક સંઘો પણ જોડાયા હતાં. માર્ગ પરિવહન ઉપરાંત દેશમાં બેન્કનાં કામકાજો અને સ્કૂલોમાં શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે. ઉલ્લેખનીય છે કે લઘુતમ વેતન 18 હજાર રૂપિયા કરવાં સહિતનાની 12 મુદ્દાની માગણીઓ સાથે કામદાર સંગઠનો દ્વારા આ હડતાલ પાડવામાં આવી છે.
કોલકાતામાં દેખાવકારો માર્ગો ઉપર ઉતરી આવતાં માહોલ તનાવપૂર્ણ બની ગયો હતો. ઠેરઠેર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે અનેક કાર્યકરોને પણ અટકાયતમાં લેવા પડયા હતાં. ભુવનેશ્વરમાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતાં અને હડતાલી કર્મચારીઓએ માર્ગો ઉપર ટાયર સળગાવીને દેખાવો કર્યા હતાં. કર્ણાટકમાં પ્રદર્શનકારીઓ રસ્તાઓ ઉપર બેનર, ઝંડા, તકતીઓ લઈને નીકળ્યા હતાં. રાજધાની દિલ્હીમાં પણ આ બંધની આંશિક અસરો જોવા મળી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer