વડોદરાના છાણી પાસે વહેલી સવારે પગરખાંના ગોડાઉનમાં ભીષણ આગથી રૂા.70 લાખનું નુકસાન

વડોદરાના છાણી પાસે વહેલી સવારે પગરખાંના ગોડાઉનમાં ભીષણ આગથી રૂા.70 લાખનું નુકસાન
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા,તા. 8 : વડોદરા નજીક છાણી જકાતનાકા ટીપી 13 પાસે ચંપલ, બુટના ગોડાઉનમાં ભીષણ આગથી અંદાજે રૂપિયા 70 લાખનું નુકસાન થયું હતું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ગોડાઉનના એંગલ બળી ગયા હતા. પતરા અને દિવાલો પણ તુટી જતા ગોડાઉન ખંડેરમાં ફેરવાયું હતું. 
ફાયર બ્રિગેડ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર છાણી ટીપી 13 પાસે વિખ્યાત કંપનીના ચંપલ , સ્લીપર બુટનું મોટુ ગોડાઉન આવેલું છે. આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી અને જોત જોતામાં સમગ્ર ગોડાઉન આગની જવાળાઓમાં લપેટાયું હતું. ફાયર બ્રિગેડને બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી. આથી સંદેશાના આધારે છાણી ફાયર સ્ટેશનના સબ અૉફિસર તથા લશ્કરોની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી. 
આગની જવાળાઓ વધુ પ્રસરી જતા લશ્કરોએ ચોમેરથી સતત પાણીમારો જારી રાખ્યો હતો. બુટ ચંપલ સ્લીપરનો વિશાળ જથ્થો આગની જવાળાઓમાં લપેટાઈ ગયો હતો. લશ્કરોએ ચોમેરથી પાણીમારો જારી રાખતા આગ વધુ પ્રસરી ન હતી. સિમેન્ટના પતરા તુટી ગયા હતા અને લોખંડની એંગલો વળી જતા દિવાલોને નુકસાન થયું હતું. લપકારા સાથે ભભુકી ઉઠેલી આગને બુઝાવવા સાત જેટલા ફાયર ફાઈટરો અને લશ્કરોની ટુકડી તહેનાત કરવામાં આવી હતી. સવારના સાડા છ વાગ્યાથી લગભગ 10 વાગ્યા સુધી પાણીમારો જારી રાખવામાં આવ્યા બાદ લશ્કરોને આગ બુઝાવી દેવામાં સફળતા સાંપડી હતી. 
પ્રાથમિક તપાસમાં ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં આગના બનારથી કોઈને ઈજા કે દાઝી જવાનો બનાવ બન્યો નથી. જાણીતી કંપનીના બુટ ચંપલના ગોડાઉનમાં ભભુકી ઉઠેલી આગથી રૂપિયા 70 લાખના નુકસાન અંગે કંપનીની વડી કચેરી તેમ જ માર્કેટિંગ વિભાગને જાણ કરવામાં આવી હતી. કંપની વરિષ્ઠ અધિકારીઓ વડોદરા આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer