જયંતી ભાનુશાલી હત્યાકેસમાં રાતે એક વાગવાની

જયંતી ભાનુશાલી હત્યાકેસમાં રાતે એક વાગવાની
ત્રણ મિનિટ પહેલાં જે બન્યું એ હત્યારા સુધી પહોંચાડશે  
 
ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 8: પોતાની ગન સાથે રાખતા કચ્છના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ટ્રેનમાં થયેલી હત્યામાં મહત્ત્વની કોઈ કડી હજી સુધી પોલીસને મળી નથી. ફર્સ્ટ ક્લાસના એસી કોચમાં હત્યારાઓ કઈ રીતે ઘૂસ્યા એ જાણવા માટે પોલીસ માટે મહત્ત્વની બાબત એ છે કે રાતે એક વાગવાની ત્રણ મિનિટ પહેલાં ટ્રેનમાં એવી તે કઈ ઘટના બની હતી અને રેલવેના ગાર્ડે એની ગંભીરતા કેમ ન લીધી, કારણ કે એ સમયે ટ્રેનનું ચેઇન-પાલિંગ થયું હતું અને પોલીસના માન્યા મુજબ એ સમયે બનેલી ઘટના જયંતી ભાનુશાલીની હત્યા સાથે સંકળાયેલી છે.  
કચ્છના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કચ્છના રાજકારણમાં મોટું માથું ધરાવતા જયંતી ભાનુશાલી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલા હતા અને જમીનના મોટા કારોબારને કારણે સલામતી માટે સાથે પોતાનું લાઇસન્સવાળું હથિયાર પણ રાખતા હતા. તેઓ પોતાની સલામતી માટે પણ એટલા જ ચોક્કસ હતા કે હંમેશાં પોતાની ગન ભરેલી રાખતા હતા. તેઓ જ્યારે કચ્છથી અમદાવાદ આવવા રવાના થયા ત્યારે પણ પોતાની સાથે ગન હતી અને એ પણ ભરેલી હતી. આવા સંજોગોમાં તેમની હત્યા કરવા આવનારને એટલી જાણકારી તો હોય જ કે તેમની પાસે ગન હતી, પરંતુ જયંતી ભાનુશાલીને ગન વાપરવાનો સમય જ મળ્યો નથી એ બતાવી આપે છે કે હત્યારા પૂરી તૈયારી સાથે આવ્યા હતા. પોલીસ માટે મોટી મૂંઝવણનો સવાલ એ હતો કે એસી કોચમાં હત્યારા કેવી રીતે ચડયા? પોલીસે જ્યારે ટ્રેનની પૂરી તાપસ કરી ત્યારે ખબર પડી કે રાતે 12.57 વાગ્યે ટ્રેનમાં ચેઇન-પાલિંગ થયું હતું. જોકે એ સમયે હત્યારાઓ ટ્રેનમાં ચડયા હોય અથવા હત્યા કરીને ઊતર્યા હોય એવું પોલીસ માની રહી છે અને એ દિશામાં તાપસ શરૂ કરી છે.  
આ આખા કેસની તપાસ કરી રહેલા સીઆઇડી ક્રાઇમના આશિષ ભાટિયાએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસ અત્યારે ફૉરેન્સિક વિભાગની મદદ લઈ રહી છે અને જયંતી ભાનુશાલી પાસેથી લોડેડ ગન પણ મળી છે, પરંતુ એસી કોચમાં હત્યારા કઈ રીતે ઘૂસ્યા એની તપાસ ચાલી રહી છે. અમને તપાસ દરમ્યાન ખબર પડી છે કે રાતે 12.57 વાગ્યે ટ્રેનમાં ચેઇન-પાલિંગ થયું છે.  
એ સમયે હત્યારાઓ ટ્રેનમાં ઘૂસ્યા હતા કે નહીં એ સવાલનો જવાબ આપવાનું ટાળતાં આશિષ ભાટિયાએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં આ સંદર્ભે તપાસ ચાલુ હોવાથી વધુ જાણકારી આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે હત્યારાઓએ હત્યા માટે વાપરેલી ગન હૅન્ડમેડ હતી અને એમાં 7.65 એમએમની કારતૂસ હતી. એ પિસ્તોલનાં વપરાયેલાં બે જૅકેટ મળ્યાં છે અને કારતૂસનો ટૉપનો ભાગ પણ મળ્યો છે જે તપાસ માટે મહત્ત્વનો સાબિત થશે.  
અત્રે ઉલ્લેખનીય છે કે જો પિસ્તોલ હૅન્ડમેડ કે હાથબનાવટની હોય તો ફાયારિંગ વખતે 7.65 એમએમના ફાયારિંગનો અવાજ મોટો આવે, પરંતુ આ અવાજ બીજા લોકોને કેમ સંભળાયો નહીં એ મોટો સવાલ છે. જોકે મહત્ત્વની કડી એ છે કે રાતે 12.57 વાગ્યે ટ્રેનમબાં ચેઇન-પાલિંગ થયું હતું તો ગાર્ડે આ વિશે તપાસ કેમ ન કરી અને 12.57 વાગ્યે ટ્રેન કયા વિસ્તારમાં હતી અને કેટલી ધીમી પડી હતી, એટલું જ નહીં એ વિસ્તારની પણ તપાસ કરવામાં આવશે અને કદાચ એટલે જ ગુજરાત પોલીસે મોરબી રેન્જના તમામ વિસ્તારોની નાકાબંધી સવારથી કરી દીધી હતી. આ વિસ્તારથી જતા હાઇવેનાં ટોલનાકાંઓ પરના સીસીટીવી કૅમેરા ફુટેજ પણ ચેક કરવામાં આવી રહ્યાં છે જેથી કોઈ સુરાગ મળી શકે અને 12.57 વાગ્યે ટ્રેન ક્યાં હતી એ ઉપરાંત એસી કોચ રેલવે-સ્ટેશન પાસે રોકાયો હોય અને કોઈ અવરજવર થઈ હોય એ તમામ જગ્યાના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોવામાં આવી રહ્યાં છે. પોલીસ માટે રાત્રે 12.57 વાગ્યે ટ્રેનની ગતિ હત્યારાને પકડવાની મહત્ત્વની કડી સાબિત થાય તો નવાઈ નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer