મોનોરેલનો બીજો તબક્કો હજી લંબાશે?

મોનોરેલનો બીજો તબક્કો હજી લંબાશે?
અગાઉની સ્કોમી કંપનીની ભૂલ સુધારીને વહેલી તકે મોનોરેલ શરૂ કરવાનો એમએમઆરડીએનો દાવો
 
મુંબઈ, તા. 8 : મોનોરેલનું મૅનેજમેન્ટ સંભાળતી સ્કોમી કંપનીને તગેડી મૂકીને મોનોની જવાબદારી એમએમઆરડી (મુંબઈ મૅટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી)એ પોતાના શિરે લીધે છે, પરંતુ સ્કોમીએ વ્યવસ્થાપન સંભાળતી વખતે દેખાડેલી અકાર્યક્ષમતાનો ફટકો મોનોના બીજા તબક્કાની ડેડલાઇન પર બેસવાનો છે. એને પરિણામે વડાલાથી જેકબ સર્કલ વચ્ચે શરૂ થનારા બહુપ્રતીક્ષીય મોનોરેલનો બીજો તબક્કો શરૂ થવાની ફેબ્રુઆરી મહિનાની ડેડલાઇન ચૂકી જવાનાં ચિહ્નો જણાઈ રહ્યાં છે. જોકે, સ્કોમીએ કરેલી ભૂલોને તાત્કાલિક સુધારી લઈને બીજો તબક્કો વહેલી તકે શરૂ કરીશું એવો વિશ્વાસ એમએમઆરડીએના સહપ્રકલ્પ સંચાલક દિલીપ કવઠકરે વ્યક્ત કર્યો છે.
સ્કોમી કંપનીએ એમએમઆરડીએને મોનોરેલ સંદર્ભે સાચી માહિતી આપી નહોતી. એને લીધે જ્યારે સંપૂર્ણ વ્યવસ્થાપન એમએમઆરડીએએ પોતાના હાથમાં લીધું ત્યારે ટ્રેનોની સંખ્યા અને બગડેલી ટ્રેનોની જાણ થઈ હતી. એની સાથોસાથ મોનોના બીજા તબક્કાની ટ્રેનો માટે અને એના સ્પેરપાર્ટ્સ માટે સ્કોમી કંપનીએ જે કોન્ટ્રેકટરો નીમ્યા હતા તેમણે કામ તો શરૂ કર્યું હતું, પણ સ્કોમીએ તેમના રૂપિયા ન આપતાં એ કામ રખડી પડયા હતા. એમાં એમએમઆરડીએને શરૂઆતમાં કોઈ માહિતી ન હોવાથી સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લીધી ત્યારે એ બધા કૉન્ટ્રેક્ટરોના બાકી નીકળતા રૂપિયા, ટ્રેનના સ્પેરપાર્ટ્સ અને નવી  ટ્રેનો મગાવવા જેવાં કામ પૂરાં કરવાનો પડકાર એમએમઆરડીએ સમક્ષ આવી પડયો હતો. એ ઉપરાંત સ્કોમીએ ફરજ પર રાખેલા 202 કર્મચારીઓના ચાર મહિનાના પગાર ચૂકવવાની જવાબદારી તથા તેમને નોકરીમાં સમાવવાનો પડકાર પણ આવી પડયો છે.
મોનોરેલનો બીજો તબક્કો શરૂ કરવા માટે ટ્રેનોનો પ્રશ્ન મહત્ત્વનો હતો. અત્યારે મોનોની 10 ટ્રેનો છે અને એમાંની ચાર બગડેલી હાલતમાં યાર્ડમાં પડી છે. બીજા તબક્કા માટેની જે 10 ટ્રેનોની જવાબદારી સ્કોમીની હતી એ મેળવવામાં કંપની નિષ્ફળ ગઈ હતી. હવે ચાર ટ્રેનો રિપેરિંગ કરવા ઉપરાંત નવી 10  ટ્રેનો મંગાવવાની જવાબદારી એમએમઆરડીએ પર આવી છે. એ દરેક ભૂલ સુધારીને વહેલી તકે મોનોરેલનો બીજો તબક્કો શરૂ કરવાનું લક્ષ્ય એમએમઆરડીએ રાખ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer