ભાજપના નેતા જયંતી ભાનુશાલીની ચાલુ ટ્રેનમાં દેશી પિસ્તોલથી ગોળી મારીને હત્યા

ભાજપના નેતા જયંતી ભાનુશાલીની ચાલુ ટ્રેનમાં દેશી પિસ્તોલથી ગોળી મારીને હત્યા
હત્યા છબીલ પટેલે જ કરાવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ, હત્યાનો ભેદ ઉકેલવા સીટની રચના 
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8: ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જ્યંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં બે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સયાજી નગરી એક્સ્પ્રેસ ટ્રેનમાં સવાર જંયતી ભાનુશાળીને મોરબી માળીયા મીયાણી વચ્ચે ગોળી મારવાની ઘટના બની છે,  જેમાં એક ગોળી તેમની છાતીમાં અને બીજી ગોળી તેમની આંખમાં મારવામાં આવી હતી.  જંયતી ભાનુશાળી કચ્છ અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ ઉપપ્રમુખ હતા. ભાનુશાળી 2007થી 2012 સુધી અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 
ગોળી વાગ્યા બાદ જ્યંતી ભાનુશાળી ટ્રેનના કોચમાં જ ફસડાઇ પડયા હતા. ટ્રેનની સીટમાં જ તેમનો લોહીથી લથબથ મૃતદેહ પડયો હતો. સયાજીનગર ( ટ્રેન નંબર : 19116)માં કટારિયા-સુરજબારી વચ્ચે તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. 
સીઆઇડી ક્રાઇમના ડીજી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી તમામ વિગત આપી હતી. ડીજી આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ભાનુશાળીને નજીકથી 7.65 એમએમ પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી.  કમ્પાર્ટમેન્ટમાંથી 3 જીવતા કારતૂસ અને બે ફૂટેલા કારતૂસ મળી આવ્યા છે. એક કારતૂસની ફેટૂલી બુલેટ પણ મળી આવી છે. હત્યા માટે કન્ટ્રીમેડ હથિયારનો ઉપયોગ કરાયો છે. જંયતી ભાનુશાળીની બેગમાંથી સર્વિસ રિવોલ્વર મળી આવી છે. રિવોલ્વરમાં લાઇવ કારતૂસ પણ હતા. સમગ્ર મામલે સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે.
વધુમાં ભાટિયાએ કહ્યું કે, અમદાવાદ રેલવેની હદમાં આ ઘટના બની હતી. ભૂજથી ગાંધીધામ તરફ આવતી ટ્રેનમાં આ બનાવ બન્યો હતો. એસી ફર્સ્ટ ક્લાસમાં ભાનુશાળી પ્રવાસ કરી રહ્યા હતા. આ કોચમાં જ તેમની હત્યા થઇ હતી. સૌ પ્રથમ માળિયા પોલીસને જાણ થઇ અને તેઓએ પ્રથામિક તપાસ કરી હતી. પોલીસ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રેનમાં મુસાફરના સ્વાંગમાં રહેલા કોન્ટ્રાક્ટ કિલરે તેમની હત્યા કરી નાખી હતી. કોચમાં ફાયરિંગનો અવાજ ન આવે તે માટે ગન પર સાયલેન્સર લગાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા પણ છે. 
તેમણે કહ્યું કે, અમને રિપોર્ટ મળ્યો છે કે ભાનુશાળી જે ટ્રેનમાં સવાર હતા તે ટ્રેનનું ગાંધીધામ પહેલા ત્રણ મિનિટ સુધી ચેઇન પુલિંગ થયું હતું ત્યારે આ ચેઇન પુલિંગ કોણે અને કેમ કર્યુ તે અંગે તપાસ કરી રહ્યા છે. હાલ પોલીસે ભાનુશાળીના કોચમાં હાજર લોકો તેમ જ ટ્રેનના ટીટીની  પૂછપરછ  હાથ ધરાઇ  છે. 
જ્યંતી ભાનુશાળીના કોચમાં રહેલા પવન મોરી નામના એક મુસાફરે ગોળીબાર અંગેની જાણકારી ટ્રેનના ટીટીઇ (ટ્રેન ટિકિટ એક્ઝામિનર)ને જાણ કરી હતી. સુરજબારી પાસે પવન મોરી ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેણે જ્યંતી ભાનુશાળીની લોહીથી લથપથ હાલતમાં જોયા હતા. આ દૃશ્ય જોઇ તેણે બૂમાબૂમ કરી હતી. આ કારણે  તેમની પાછળ તરફ રહેલા એક જ પરિવારના છ લોકો પણ દોડી આવ્યા હતા. મોડી રાત્રે 1-30 વાગ્યો કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે, સયાજીનગર (19116) ટ્રેનના એસી કોચમાં જ્યંતી ભાનુશાળી નામના વ્યક્તિને કોઇ અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. ટ્રેનને રાત્રે 2 વાગ્યે માળિયા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી હતી. અહીં 108ને બોલાવવામાં આવી હતી. માહિતી મળતા જ આરપીએફ અને જીઆરપીએફના કર્મીઓ કોચમાં પહોંચી ગયા હતા. આ મામલે માળિયા પોલીસે પવન મોરીની પૂછપરછ હાથ ધરી છે.
પત્રકાર પરિષદમાં ભાટિયાએ જણાવ્યું હતું કે, હાલ હત્યા અંગે પ્રાથમિક તપાસ થઇ છે, જેમ જેમ પુરાવા મળતા જશે તેમ તેમ તપાસ આગળ વધશે. ભાનુશાળીને ધમકી આપનાર છબીલ પટેલની જો સંડોવણી જણાશે તો તેની પણ તપાસ કરાશે. આ સમગ્ર મામલે રેલવે દ્વારા ખાસ એસઆઇટી (સીટ)ની રચના કરાઇ છે, જેની તપાસ અમદાવાદ રેલવેના ડીવાયએસપી પી.પી.ફિરોઝીયા હત્યાનો ભેદ ઉકલેવા તપાસ કરશે. તેમ જ રાજકોટના ડીવાયએસપી, રેલવે એલસીબીના એક પીઆઇ અને બે પીએસઆઇ અને કોન્સ્ટેબલ પણ તપાસમાં જોડાશે. જોકે, અત્યારે મોરબી જિલ્લા પોલીસ, રેલવે એલસીબી, જિલ્લા એલસીબી, ગાંધીધામ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. તેમ જ  આ હત્યાના કેસમાં પોલીસે વિવિધ મર્ડર મિસ્ટ્રીને લઇને તપાસ કરશે. બનાવની ગંભીરતા જોતા એટીએસ અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને પણ તપાસ સોંપાશે. 
જોકે, આ ટ્રેનના આજે સવારે જ અમદાવાદ રેલવે સ્ટેશન આવી હતી ત્યાંથી જંયતી ભાનુશાળીની હત્યા જે કોચમાં કરવામાં આવી હતી તે કોચને હટાવવામાં આવ્યો છે. તેમ જ અત્યારે જંયતી ભાનુશાળીના કોચને એફએસએલ ખાતે તપાસ માટે રાખવામાં આવ્યો છે. ડીવાયએસપી પી.પી.ફિરોઝીયાના જણાવ્યા પ્રમાણે, એફએસએલની ટીમ સાથે રાખીને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરાશે. તેમ જ રાત્રે જ જ્યંતી ભાનુશાળીનો મૃતદેહ સામારિયાળી પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો. હાલ તેમના મૃતદેહને માળિયા ખાતે રાખવામાં આવ્યો છે  અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવશે. આ બાદ સંભવત: આવતીકાલે સવારે 10 વાગ્યે તેઓની  અંતિમ યાત્રા નરોડાસ્થિત નિવાસસ્થાનેથી નીકળશે. આ સમયે કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તેઓના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.  
જ્યંતી ભાનુશાળીની  હત્યાના દુ:ખદ સમાચાર બાદ તેમના પરિવારના લોકો પણ માળિયા પહોંચી ગયા હતા. અહીં જ્યંતી ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છના ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. જ્યંતી ભાનુશાળીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, મારા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે.  છબિલ પટેલે જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે. મારા પતિની હત્યા કરાવીને તે અમેરિકા જતો રહ્યો છે. એમની જ ગેંગે હત્યા કરાવી છે. મારા પતિને મારનાર છબિલ પટેલ જ છે. સોપારી આપીને જતો રહ્યો છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ હતા. આવું થઇ જશે તેની ખબર ન હતી એટલે તેઓ બિન્દાસ ફરતા હતા. દરમિયાન જંયતી ભાનુશાળીના ભાઇ શંભુ ભાનુશાળીએ કહ્યું કે, મારા ભાઇ જ્યંતી ભાનુશાળીની રાજકીય હત્યા કરવામાં આવી છે. પેલો ભાઇ છબિલ પટેલ પહેલાથી જ કહેતો હતો. તેણે મારા ભાઇને પહેલા બે વખત છોકરીઓના કેસમાં ફસાવ્યો છે. એમાં સફળ ન રહેતા બીજા બે-ત્રણ કાવતરા કર્યા હતા. તે કહેતો હતો કે, હું રાજકારણમાંથી જ્યંતી ભાનુશાળીનો -2- જ કાઢી નાખીશ. છબિલ પટેલે પોતાના સાગરિતો રાખ્યા છે. તેમણે અમારી સાથે કહેવા પૂરતું સમાધાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું જ્યંતીભાઇને મૂકીશ નહીં તેમણે માણસો રાખીને હત્યા કરાવી છે. હજી અમારા ઘર પર ફાયરિંગ કરશે તેવો અમને ડર છે કારણ કે તે કહું ચૂક્યો છે કે હું મૂકીશ નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer