વર્માને સીબીઆઈ વડાપદે પુન : સ્થાપતી સુપ્રીમ

વર્માને સીબીઆઈ વડાપદે પુન : સ્થાપતી સુપ્રીમ
પોસ્ટ પાછી મળી, પણ પાવર નહીં
 
નવી દિલ્હી તા. 8:  સીબીઆઈના ડિરેકટર આલોક વર્માની સત્તાઓ છીનવી લેવાના કેન્દ્ર સરકારના ઓકટોબરના આદેશને સર્વોચ્ચ અદાલતે આજે રદ કરી વર્માને આ પદે બહાલ કર્યા છે-પુન:સત્તારૂઢ કર્યા છે. (વર્માની મુદત આગામી તા. 31મીએ પૂરી થઈ રહી છે) આલોક વર્મા રોજબરોજના કામના વહીવટી નિર્ણયો લઈ શકશે પરંતુ સીલેકશન સમિતિ, તેમની સામેના તપાસ રીપોર્ટની સમીક્ષા કરી આ પદે તેમના ચાલુ રહેવા વિશે ફેસલો ન આપે ત્યાં સુધી વર્મા કોઈ મોટા નીતિવિષયક નિર્ણયો નહીં લઈ શકે એમ અદાલતે ઠરાવ્યુ છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ)અને લોકસભામાંના સૌથી મોટા વિપક્ષના નેતાની બનેલી ઉકત સમિતિને, અદાલતે વર્માને તેમના પદેથી દૂર કરવા જરૂરી છે કે કેમ તે વિશે ચર્ચા કરી લેવા 1 સપ્તાહનો સમય આપ્યો છે. સીબીઆઈનું સ્વાતંત્રય જળવાઈ રહે તેવી તેની મકસદ હોવાનું બેન્ચે જણાવ્યું હતું. ડિરેકટર તરીકેની જવાબદારીઓ છીનવી લઈ લાંબી રજા પર મોકલી દેવાના કેન્દ્ર સરકારના તા. 23 ઓકટો.ના નિર્ણય સામે વર્માએ અદાલતમાં અરજી કરી હતી. આ મામલે એસઆઈટી તપાસ માગતી અરજી એનજીઓ `કોમન કોઝ'એ કરી હતી. વર્મા, કેન્દ્ર સરકાર અને સીવીસીની દલીલો સાંભળ્યા બાદ અદાલતે તા.6 ડિસેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer