આર્થિક અનામત માટેનો ખરડો લોકસભામાં પસાર

આર્થિક અનામત માટેનો ખરડો લોકસભામાં પસાર
ખરડાની તરફેણમાં 319 અને વિરોધમાં ફક્ત 3 મત : આજે ખરડો રાજ્યસભામાં રજૂ થશે
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવીદિલ્હી, તા.8: લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સવર્ણોને રીઝવવાનાં પ્રયાસ તરીકે જેને જોવામાં આવ્યો છે તેવાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાની વ્યવસ્થા કરતાં 124માં બંધારણીય સુધારા ખરડાને આજે લોકસભામાં રજૂ કરી દેવામાં આવ્યો હતો અને મોડી રાત સુધી ચાલેલી લાંબી ચર્ચાનાં અંતે આ ખરડાને પસાર કરી દેવામાં આવતાં એક ઐતિહાસિક સુધારા તરફ પહેલું પગલું માંડી દેવામાં આવ્યું હતું. સાંજે શરૂ થયેલી ચર્ચા રાત સુધી ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાત્રે સાડાનવ કલાક આસપાસ ગૃહમાં પહોંચ્યા હતાં અને ચર્ચાનાં સમાપન બાદ રાત્રે સવા દસ વાગ્યે આ બંધારણીય સુધારા ખરડા ઉપર મતદાન થયું હતું. જેમાં લગભગ સર્વાનુમતે આ ખરડો પસાર થઈ ગયો હતો. આ વિધેયકની તરફેણમાં કુલ 319 અને વિરોધમાં માત્ર 3 મત પડયા હતાં. આ સાથે જ હવે આ ખરડો આવતીકાલે રાજ્યસભામાં રજૂ થશે. 
સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગહેલોતે આજે આરક્ષણ સંબંધિત આ ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે લાંબો સમયથી આવી માગણીઓ થતી હતી અને હવે સરકાર ગરીબોને મુખ્યપ્રવાહમાં લાવવા માટે આ ખરડો લઈને આવી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને 10 ટકા અનામત આપવાનો અધિકાર રહેશે. આટલું જ નહીં ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પણ આર્થિક કમજોર સામાન્ય વર્ગને અનામતનો લાભ આપવામાં આવશે. બંધારણમાં સુધારા વિના આ સંભવ નથી અને આ સુધારો થયા બાદ સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી શકશે નહીં. 
ચર્ચામાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે ઘણી સરકારોએ અનારક્ષિત વર્ગને અનામત આપવાની વાત કરી પણ તેનો માર્ગ યોગ્ય નહોતો. બંધારણમાં 50 ટકા અનામતની વ્યવસ્થા સામાજિક પછાત વર્ગ માટે છે. આર્થિક પછાત માટે તે લાગુ નથી. આ ખરડા દ્વારા સરકાર સામાજિક અને આર્થિક પછાતનો ભેદભાવ સમાપ્ત કરવાં માગે છે. હવે કોંગ્રેસ અને તેનાં સાથીદાર પક્ષોની પરીક્ષા છે. 
અન્નાદ્રમુકનાં સાંસદ થંબીદુરાઈએ કહ્યું હતું કે અનામત સામાજિક ન્યાય માટે આપવામાં આવે છે અને આર્થિક આધારે આપવાની જરૂર શું છે તે સમજી શકાતું નથી. જ્યારે તૃણમૂલનાં સુદીપ બંધોપાધ્યાયે ચર્ચામાં કહ્યું હતું કે આ ખરડો લાવવાનો સમય શંકા ઉપજાવે છે. સરકાર વાસ્તવમાં યુવાનોને રોજગાર આપવા માગે છે કે પછી 2019ની લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવવા માગે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer