પરિવારજનોએ ભારે હૃદયે ભાનુશાલીનો મૃતદેહ સ્વીકાર્યો

પરિવારજનોએ ભારે હૃદયે ભાનુશાલીનો મૃતદેહ સ્વીકાર્યો
હજી સુધી કોઈની ધરપકડ નહીં
અમદાવાદ, તા. 9 : કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાલીની ગઈ મોડી રાત્રે ફિલ્મીઢબે ટ્રેનમાં ગોળી મારી હત્યા થઈ હોવાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આજે અમદાવાદમાં આવેલા નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળવાની છે. વહેલી સવારે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાંથી તેમનો મૃતદેહ સ્વીકાર્યો છે, તે પછી તેમના પાર્થિવ દેહને નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. અંતિમયાત્રા માટે ભારે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. 
મૃતદેહ જોતાંની સાથે પરિવારજનોમાં દુ:ખની લાગણી વ્યાપી ગઇ હતી. પરિવારજનોનું કહેવું હતું કે સમાજના નિર્ણય પછી આજે જયંતી ભાનુશાલીની અંતિમયાત્રા નીકળશે. નોંધનીય છે કે તેમના પરિવારને સાંત્વના આપવા અને અંતિમયાત્રામાં જોડાવવા ભાજપના અગ્રણી નેતાઓ સહિત ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા.
અબડાસાના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંતી ભાનુશાલીની હત્યા કેસમાં હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી, પરંતુ આ કિસ્સાની તપાસ જઈંઝ (સીટ)એ  સંભાળી લીધા પછી તપાસમાં ભારે ગતિ આવી છે. હત્યાને બની શકે એટલા વધુ દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ એજન્સીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હત્યા પાછળ પાંચ જણ વિરુદ્ધ જયંતી ભાનુશાલીના પરિવારજનોએ ફરિયાદ દાખલ કરાવી છે તેને લઈ તપાસનો રેલો વાપી સુધી પહોંચી શકે એમ જણાય છે. શકમંદનાં નામોમાં એક નામ વાપીની મનીષા ગોસ્વામીનું છે. વાપીના કોપરલી રોડ પરના અનુકૂળ કોમ્પલેક્સમાં રહેતી મનીષા છેલ્લા દસ દિવસથી પરિવારથી સંપર્ક વિહોણી હોવાનું જાણવા મળે છે. તેના ઘરવાળાઓને પણ ખબર નથી કે તે ક્યાં છે.
જયંતી ભાનુશાલી ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ મારફતે અમદાવાદ નરોડા ખાતે આવેલા તેમના ઘરે આવી રહ્યા હતા. ભાનુશાલી અવારનવાર આ જ ટ્રેન મારફતે અને સામાન્ય રીતે આ જ કોચમાં અમદાવાદ પરત ફરતા હતા. કદાચ આ માટે જ હત્યારાઓએ ટ્રેનમાં જ તેમની હત્યા કરવાનો પ્લાન ઘડયો હોઈ શકે છે.
એવી પણ માહિતી મળી છે કે અજાણ્યા લોકોએ જ્યારે જયંતી ભાનુશાલીની કૅબિનનો દરવાજો ખખડાવ્યો ત્યારે પવન મોર નામનો પ્રવાસી પણ તેની કૅબિનમાં હતો. ભાનુશાલી તેમની સાથે કોઈ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. જયંતી ભાનુશાલીએ એવું માનીને દરવાજો ખોલ્યો હતો કે ટીસી આવ્યા છે. કૅબિનનો દરવાજો ખોલતાં જ બે લોકોએ અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં હત્યારાઓ અને જયંતી ભાનુશાલી વચ્ચે ચકમક ઝરી હતી. એટલે કે જયંતી ભાનુશાલી આ બંનેને ઓળખતા હતા. બાદમાં એક વ્યક્તિએ દેશી બનાવટની પિસ્તોલમાંથી ફાયારિંગ કરીને જયંતી ભાનુશાલીની હત્યા કરી હતી. 
અબડાસાના પૂર્વ ધારાસભ્યની ટ્રેનમાં હત્યાનો મામલો સામે આવ્યા બાદ રેલવે સુરક્ષાની દૃષ્ટિએ કેટલી પછાત છે તે સામે આવ્યું છે. ભચાઉ અને સામખિયાળી સ્ટેશનો પર સીસીટીવીની સુવિધા જ નથી. આ બન્ને સ્ટેશનો પર વાગડ-મુંબઇના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોવા છતાં તંત્રના ઓરમાયા વર્તનને લીધે સીસીટીવી લાગેલા ન હોવાથી ગુનાહિત તત્ત્વોને મોકળું મેદાન મળી જાય છે. 
સ્ટેશન પર કોચ ઇન્ડિકેટર પણ લાગેલાં નથી. રેલવે તંત્રની સુરક્ષામાં  આ છીંડાંનો લાભ લઇને જયંતી ભાનુશાલીનો હત્યારો પણ આ બે સ્ટેશનમાંથી કોઇ એક પરથી જ સયાજી ટ્રેનમાં ચડ્યો હોવાની સંભાવનાને નકારી નથી શકાતી. 
ભચાઉના સ્ટેશન માસ્તર વિનયકુમારાસિંહે સીસીટીવી લાગેલાં નથી તે બાબતનો સ્વીકાર કરતાં જણાવ્યું કે, તેના માટે એપ્રુવલ એસએનટી વિભાગમાંથી કરાય છે. જ્યારે સામખિયાળી સ્ટેશન માસ્તર પપ્પુકુમારે સીસીટીવી ન હોવાની સીધી જ કબૂલાત કરી લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer