ગુજરાતી ઉદ્યોગપતિ હિતેશ ગુટખા દોડશે 42 કિમીની ફુલ મેરેથોન

ગુજરાતી ઉદ્યોગપતિ હિતેશ ગુટખા દોડશે 42 કિમીની ફુલ મેરેથોન
મુંબઈ મેરેથોનમાં ભાગ લેવા દોડવીરો સજ્જ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મુંબઈ મેરેથોનની મુંબઈગરાં ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે અને તૈયારી પણ કરતા હોય છે. મુંબઈ મેરેથોનના કાયમી દોડવીરોમાંના એક એટલે ગુટકા ગ્રુપ અૉફ કંપનીઝના મૅનેજિંગ ડિરેક્ટર હિતેશ ચુનીલાલ ગુટકા. 57 વર્ષીય હિતેશભાઈ છેલ્લાં આઠ વર્ષથી સતત મેરેથોનમાં ભાગ લે છે અને આ વર્ષે પણ તેઓ 42 કિમીની ફુલ મેરેથોનમાં દોડવાના છે.  
`ગુજરાતીઓ ફક્ત જમવામાં, પૈસા બનાવવામાં અને જલસા કરવામાં માને છે, શારીરિક શ્રમ પડે તેવી પ્રવૃતિઓમાં તેમનું ગજુ નથી', તેવી એક ગેરમાન્યતા છે અને તે ખોટી પાડવાની હિતેશભાઈએ પ્રતિજ્ઞા લીધી છે. 49 વર્ષની વયે મેરેથોન કારકિર્દી શરૂ કરનારા હિતેશભાઈએ વર્ષ 2018 માં વૈશ્વિક સ્તરે કુલ 21 મેરેથોનમાં ભાગ લીધો હતો. મેરેથોનમાં દોડવાની પ્રેરણા તેમને તેમના સંતાનો પાસેથી મળી હતી. તેમના સંતાનો વજન ઉતારવા માટે એક રનિંગ ગ્રુપમાં જોડાયા અને પછી મેરેથોનમાં ભાગ લેવા લાગ્યા. પોતાના સંતાનોનો સાથ આપતા આપતા તેમને મેરેથોનમાં દોડવાનું વળગણ લાગ્યું અને મેરેથોનમાં ભાગ લેવાની રેસમાં તેઓ પોતાના સંતાનોથી પણ આગળ નીકળી ગયા છે.
હિતેશભાઈ અઠવાડિયાના સાતેય દિવસ નિયમિત દોડે છે અને દરરોજ 10 કિમી સાઈકલ પણ ચલાવે છે. આઠ વર્ષના પોતાના દોડવાના અનુભવ પરથી તેઓ જણાવે છે કે, દરેક વ્યક્તિએ દિવસનો અડધો કલાક કોઈપણ સ્પોર્ટસ એક્ટિવિટી માટે ફાળવવો જોઈએ. તો જિંદગીના કોઈપણ મેરેથોનમાં પાછળ નહીં પડે અને શિસ્ત પણ જળવાશે. ચુસ્ત રહેવા માટે આહારમાં થોડુક નિયંત્રણ અને નિયમિય કસરત પૂરતા છે. મેરેથોનમાં દોડીને તેઓ યુવાન અને વરિષ્ઠ નાગરિકોને પ્રોત્સાહનની સાથે સંદેશ આપવા માગે છે કે, માનસિક રીતે તંદુરસ્ત હોઈએ તો મેરેથોન તો શું જીવનમાં ગમે તે લક્ષ્ય સુધી પહોંચી શકાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer