મુંબઈ ચાંદીમાં રૂા. 225નો સુધારો

મુંબઈ ચાંદીમાં રૂા. 225નો સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 : વૈશ્વિક સોના-ચાંદીના ભાવમાં નરમાઇ આગળ ધપી હતી. અલબત્ત બુધવારનો ઘટાડો મામૂલી હતો. ન્યૂયોર્કમાં 1281 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે સોનું રનિંગ હતું. અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધનો અંત આવે એવી શક્યતા દેખાઇ રહી છે. બીજી તરફ ફેડ હવે વ્યાજદર વધારાના ચક્રને અટકાવે એવા સંકેતો દેખાતાં સોનામાં વેચવાલી હતી. જોકે, વ્યાજદર હજુ અમેરિકાના આર્થિક વિકાસ ઉપર આધારિત રહેવાનો હોવાથી આ કારણ બજાર ઉપર ખાસ અસર કરી શકતું નથી.
ફિલીપ ફ્યુચર્સના વિશ્લેષક કહે છે, ટૂંકાગાળામાં વેપારયુદ્ધ અને ડૉલરની વધઘટ સોનાના ભાવ ઉપર અસર કરશે. એકંદરે સોનામાં સલામત રોકાણ માટેની માગ આવનારા દિવસોમાં રહેવાની છે, એ જોતાં તેજી આવશે. સોનાના ઘટાડામાં બુધવારે એશિયન શૅરબજારોની તેજીએ અસર કરી હતી. ફેડના ચેરમેન જેરોમ પોવેલે અમેરિકી અર્થતંત્ર સામે રહેલાં પડકારો અને જોખમો અંગે સાવચેતીના સંકેતો આપ્યા હોવાથી હવે કદાચ વ્યાજદર વધારો ન થાય તેવો સંદેશ બજારને મળ્યો છે. 
આવનારા દિવસોમાં સોનાનો ભાવ 1270-1296 ડૉલરની રેન્જમાં રહેવાની ધારણા છે. રાજકોટના ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂા. 70ના સુધારામાં 32,670 હતો. મુંબઇમાં 65ના સુધારામાં 31,975 હતો. ચાંદીનો ભાવ ન્યૂયોર્કમાં 15.60 ડૉલર હતો. સ્થાનિકમાં એક કિલોએ રૂા. 150ના સુધારામાં રૂા. 39,050 હતી. મુંબઇ ચાંદી 225 વધી 38,995 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer