ડિસેમ્બર ક્વાર્ટરમાં ખાંડનું ઉત્પાદન 7 ટકા વધ્યું

ડિસેમ્બર ક્વાર્ટરમાં ખાંડનું ઉત્પાદન 7 ટકા વધ્યું
ચેન્નાઈ, તા. 9 : ખાંડની મોસમના પ્રથમ ક્વાર્ટર (અૉક્ટોબર-ડિસેમ્બર, 2018)માં ખાંડનું ઉત્પાદન સાત ટકા વધ્યું છે.
31 ડિસેમ્બર, 2018ના 501 ખાંડ મિલો કાર્યરત હતી અને 110.52 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. જ્યારે 31 ડિસેમ્બર, 2017ના 505 મિલો દ્વારા 103.6 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. આમ ઉત્પાદન 6.96 લાખ ટન જેવું વધવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટકની મિલોએ પિલાણ જલદી શરૂ કર્યું તે કારણ માનવામાં આવે છે. એકંદરે ગઈ મોસમની તુલનામાં આ મોસમમાં ખાંડનું ઉત્પાદન લગભગ સરખું જ રહેવાની ધારણા રખાઈ છે.
ઉત્તર પ્રદેશમાં 117 ખાંડ મિલો કાર્યરત રહી 286 લાખ ટન શેરડીનું પિલાણ કર્યું હતું અને 31 લાખ ટન ખાંડનું 31 ડિસેમ્બર, '18માં ઉત્પાદન થયું હતું. 2017-'18માં 116 ખાંડ મિલો કાર્યરત હતી અને 328 લાખ ટન શેરડીનું પિલાણ કરી 33.3 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. જે સરેરાશ 10.1 ટકાની રિકવર દાખવે છે.
જોકે, હેક્ટર દીઠ ઊપજ ગઈ મોસમની તુલનામાં નીચી રહેલી જોતાં યુ.પી.માં ઉત્પાદન ગઈ સિઝન કરતાં નીચું રહેશે, એમ મનાય છે.
મહારાષ્ટ્રમાં 184 મિલો કાર્તરત હતી. 43.98 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. તો ગયા વર્ષ સમાન ગાળામાં 183 મિલો કાર્યરત હતી અને 38.39 લાખ ટન ઉત્પાદન થયું હતું. કર્ણાટકમાં 63 મિલો કાર્યરત હતી અને 20.45 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. જ્યારે આગલા વર્ષના સમાન ગાળામાં 16.83 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. ગુજરાતમાં 2018-'19માં 16 મિલોએ 4.3 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. 2017-'18માં 17 મિલોએ 3.77 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer