આઠ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ છ ટકા વધ્યું

આઠ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ છ ટકા વધ્યું
ડિસ્કાઉન્ટ્સ અને ભાવ ઘટાડાના પગલે
 
મુંબઈ, તા.9 : વર્ષ 2018માં દેશના આઠ મુખ્ય શહેરોમાં હાઉસિંગ (ઘરો)નું વેચાણ છ ટકા વધ્યું છે, જેનું મુખ્ય કારણ ડેવલપર્સ દ્વારા ઘરોના ભાવમાં ઘટાડો અને ગ્રાહકોનું અપ્રત્યક્ષ રીતે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યુ હોવાનું પ્રોપર્ટી કન્સલટન્ટ નાઈટ ફ્રેન્ક ઇન્ડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 
દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ અને અમદાવાદમાં રહેણાંક એકમોનું વેચાણ વધ્યું હતું, જ્યારે કોલકાતા અને પુણેમાં ઘટયું હતું. 4.7 લાખ ઘરો વેચાયા નહીં હોવાથી વેચાણના વોલ્યુમમાં તેજી જોવા મળી નહોતી. 
નાઈટ ફ્રેન્ક ઇન્ડિયાનો રિપોર્ટમાં કહ્યું છે કે, નિયામકનું નિયંત્રણ સુધરતા, ભાવમાં ઘટાડો, અપ્રત્યક્ષ ડિસ્કાઉન્ટ અને ઘર ખરીદનારાઓને પ્રાધાન્ય આપીને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં નાણાં ઉમેરો વધારતા વર્ષ 2018માં ઘરોનું વેચાણ વાર્ષિક ધોરણે છ ટકા વધ્યું હતું. 2018માં વેચાણનું કુલ વોલ્યુમ 2,42,328 યુનિટ્સનું હતું, જે 2017માં 2,28,072 યુનિટ્સનું હતું. 
સૂચિત આઠ શહેરોમાં સૌથી વધુ વેચાણ બેંગલુરુમાં જોવા મળ્યું હતું. આ શહેરમાં આર્થિક સ્થિરતા અને નોકરીની સલામતી હોવાથી ઘરોનું વેચાણ વાર્ષિક ધોરણે 27 ટકા વધ્યું હતું. જ્યારે એનસીઆરમાં વાર્ષિક ધોરણે 8 ટકાનો વધારો વર્ષ 2018માં જોવા મળ્યો હતો, જેનું મુખ્ય કારણ નોઈડા અને ગ્રેટર નોઈડાના વિસ્તારમાં નોંધપાત્ર વેચાણ હતું. વર્ષ 2017ની સરખામણીએ કોલકાતામાં હાઉસિંગ વેચાણ 10 ટકા અને પુણેમાં એક ટકા ઘટયું હતું. 
રિપોર્ટમાં વધુમાં કહ્યું છે કે, વર્ષ 2018ના અંત સુધીમાં વેચાયા વિનાના કુલ ઘરોની સંખ્યા 4,68,372 હોવાનો અંદાજ છે, જે વર્ષ 2017ની સરખામણીએ 11 ટકા ઓછી અને વર્ષ 2016ની સરખામણીએ 30 ટકા ઓછી છે. 
નાઈટ ફ્રેન્ક ઇન્ડિયાના સીએમડી શિશિર બૈજલે કહ્યું કે, પરવડે એવા ઘરોના સેગમેન્ટને લીધે રેસિડેન્શિયલ બજાર સાત વર્ષ પછી 2018માં રિકવરી આવી છે. સરકાર દ્વારા પણ આ ક્ષેત્રમાં જીએસટી દરમાં ઘટાડો અને સસ્તા ઘરોને ઈન્ફ્રાસ્ટ્રકચર દરજ્જો આપતા હાઉસિંગની માગ વધી છે. સપ્લાય પણ તે હિસાબે પ્રમાણબદ્ધ થઈ છે. વર્ષ 2018ના બીજા છમાસિકમાં નોન-બૅન્કિંગ ફાઈનાન્સિયલ કંપની (એનબીએફસી)ની કટોકટીને લીધે નાણાં અછત જોવા મળી હતી, જેથી મુંબઈ અને એનસીઆર જેવા શહેરોમાં વેચાણ ધીમુ પડયું હતું, એમ પણ તેમણે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer