ક્રૂડમાં ઉછાળાથી શૅરબજારોમાં તેજી રૂંધાઈ

ક્રૂડમાં ઉછાળાથી શૅરબજારોમાં તેજી રૂંધાઈ
વૈશ્વિક બજારોમાં તેજીનો વાયરો
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં 2 ટકા સુધારાથી સ્થાનિકમાં રૂપિયાનું મૂલ્ય દબાણમાં આવતા અમેરિકા-એશિયાની બજારમાં નોંધપાત્ર સુધારા છતાં સ્થાનિક શૅરબજારોમાં રેન્જ બાઉન્ડ - સીમિત સુધારો જણાયો છે. અગાઉ અમેરિકાના રોજગારી આંકડામાં સુધારાથી જપાન-હૉંગકૉંગ અમેરિકાની બજારમાં સતત સુધારાની સાથે સ્થાનિક શૅરબજારનો તાલ પૂરો મળતો નથી. ક્રૂડતેલમાં તેજીથી કોર્પોરેટ કમાણી પર અસર સાથે ચાલુ ખાતાની ખાધ વધવાની આશંકાથી બજારનો સુધારો સીમિત છે, એમ સ્થાનિક બજારનું અનુમાન છે.
બે દિવસથી સ્થાનિક બજાર સતત સુધરવા છતાં અગાઉના ઉપરના રેસિસ્ટન્ટ લેવલ આસપાસ બંધ આપે છે. બનેલી ટેક્નિકલી ડોજી કેન્ડલને એનલિસ્ટો ટૂંકી મંદીનો સંકેત ગણાવે છે. આજે એનએસઈમાં નિફટી અગાઉના બંધ 10802થી ઉપર 10862ના ઓપનિંગ સાથે 10870 સુધી જઈને દૈનિક 10749ની બોટમ બનાવી ટ્રેડ અંતે 53 પૉઈન્ટના મધ્યમ સુધારે 10855 બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ 232 પૉઈન્ટ સુધરીને 36213 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ અનુક્રમે 0.04 અને 0.17 ટકા ઘટયા હતા.
આજે સતત બીજા દિવસે ખાનગી બૅન્કિંગ ઈન્ડેક્ષ 1 ટકા સુધર્યો હતો. ફાર્મા સ્થિર રહેવા સાથે મેટલ ઈન્ડેક્ષ 1 ટકા નકારાત્મક હતો. એફએમસીજી અંદાજે 1 ટકા સુધર્યો હતો. બજારમાં સુધરતા વલણની આગેવાની લેતા અગ્રણી શૅરોમાં બૅન્કિંગ ક્ષેત્રે એક્સિસ બૅન્ક રૂા. 19, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 24, કોટક બૅન્ક રૂા. 9, એચડીએફસી બૅન્કમાં રૂા. 14નો સુધારો થયો હતો. જોકે, યસ બૅન્કમાં બોર્ડ મિટિંગના પરિણામની રાહ જોવાતા શૅર દબાણમાં હતો. આઈટીસી રૂા. 6, એચયુએલ રૂા. 14 અને ડૉ. રેડ્ડીસ રૂા. 36 વધ્યા હતા. ક્રૂડમાં ઉછાળ છતાં સટ્ટાકીય લેવાલીથી મારુતિ સુઝુકી રૂા. 53, આઈશર મોટર્સમાં રૂા. 246 વધ્યા હતા. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રૂા. 6નો ધીમો વધારો નોંધાયો છે.
રૂપિયો દબાણ સાથે ઈન્ફોસીસમાં બાયબેક અને વિશેષ ડિવિડન્ડની ચર્ચાએ રૂા. 6 અને વિપ્રોમાં રૂા. 3 સુધર્યા હતા, જ્યારે એચડીએફસી અને ભારતી ઍરટેલમાં અુનક્રમે રૂા. 36 અને રૂા. 5 વધ્યા હતા.
જ્યારે ઘટવામાં આગેવાની લેનાર શૅરમાં મેટલ ક્ષેત્રે ટિસ્કો રૂા. 12, જેએસડબ્લ્યુ રૂા. 3, યસ બૅન્ક રૂા. 6, ટીસીએસ રૂા. 6, હીરો મોટર્સ રૂા. 33, અલ્ટ્રાટેક સિમેન્ટ રૂા. 99, એચપીસીએલ રૂા. 9, બીપીસીએલ રૂા. 12, ગેઈલમાં રૂા. 13નો મોટો ઘટાડો સૂચક ગણાય.
સ્થાનિક એનલિસ્ટોના અનુમાન પ્રમાણે 10900 ઉપર બજાર ટકવું મુશ્કેલ જણાય છે. આગામી અઠવાડિયે ક્રૂડતેલ અને રૂપિયાના મૂલ્ય સાથે કંપની પરિણામોની વ્યક્તિગત કંપનીઓ - ક્ષેત્ર પર અસર શરૂ થવાથી માત્ર ચુનંદા શૅરમાં ટ્રેડિંગ જરૂરી બનશે. મધ્યમ રોકાણ માટે બજારમાં કરેકશનની રાહ જોવી લાભદાયી રહેશે. દરમિયાન સલાહકાર ફર્મ બોહા-એમએલના ઈક્વિટી વ્યૂહકાર સંજય મુહીમે જણાવ્યું છે કે ભારતના શૅરબજાર માટે 2019નું વર્ષ કઠિન બને તેમ છે.
વૈશ્વિક-એશિયન બજાર
અમેરિકામાં ડાઉ જોન્સ 256 પૉઈન્ટ અને નાસ્દાક કમ્પોઝિટ 73 પૉઈન્ટ વધ્યા હતા. જેને લીધે એશિયન બજારનો એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્ષ 1.5 ટકા વધ્યો હતો. ચીન-અમેરિકા ટ્રેડ વૉરના સમાધાન માટે આગળ વધતા હોવાની ચર્ચાથી જપાન ખાતે નિક્કી 1.1 ટકા, શાંઘાઈ કોમ્પોઝિટ અને બ્લુચીપ-300 અનુક્રમે 0.8 અને 1.1 ટકા વધ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer