ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ વર્ષ 2018-19માં 7.3 ટકા જેટલી રહેશે : વર્લ્ડ બૅન્ક

ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ વર્ષ 2018-19માં 7.3 ટકા જેટલી રહેશે : વર્લ્ડ બૅન્ક
'ભારત વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામનારું અર્થતંત્ર બની રહેશે'
 
નવી દિલ્હી, તા.9 (પીટીઆઈ) : ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2018-19માં વધીને 7.3 ટકા જેટલો થશે અને એ પછીના બે વર્ષમાં 7.5 ટકા જેટલો રહેશે, એવી વર્લ્ડ બૅન્કે આગાહી કરી છે. વપરાશ અને રોકાણમાં વધારાને જોતા વર્લ્ડ બૅન્કે આ અંદાજ બાંધ્યો છે. 
વર્લ્ડ બૅન્કે કહ્યું કે, ભારત વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામનારું અર્થતંત્ર બની રહેશે. વર્લ્ડ બૅન્કના જાન્યુઆરી 2019 ગ્લોબલ ઈકોનોમિક પ્રોસપેક્ટ્સ રિપોર્ટમાં ચીનની આર્થિક વૃદ્ધિનો અંદાજ વર્ષ 2019 અને 2020માં ઘટીને 6.2 ટકા અને વર્ષ 2021માં છ ટકાનો રાખ્યો છે. વર્ષ 2018માં ભારતના 7.3 ટકાના અંદાજિત વૃદ્ધિની સરખામણીમાં ચીનનું અર્થતંત્ર 6.5 ટકા વૃદ્ધિ કરશે એવો અંદાજ છે.
વર્ષ 2017માં ચીનની આર્થિક વૃદ્ધિ 6.9 ટકાની અને ભારતની 6.7 ટકા હતી. નોટબંધી અને ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ના અમલને પગલે ભારતીય અર્થતંત્ર સૂચિત વર્ષે ધીમું પડયું હોવાનું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 
વર્લ્ડ બૅન્ક પ્રોસ્પેક્ટ્સ ગ્રુપ ડિરેક્ટર આયહાન કોસેએ કહ્યું કે, ભારતની વૃદ્ધિનું ભાવિ હજી પણ ઉજ્જવળ છે. ભારત ઝડપી ગતિએ વધનારું અગ્રણી અર્થતંત્ર છે. રોકાણમાં વધારો અને વપરાશ પણ સારો રહેવાથી અમારી ધારણા છે કે નાણાકીય વર્ષ 2018-19માં ભારતની આર્થિક વૃદ્ધિ 7.3 ટકા જ્યારે વર્ષ 2019 અને 2020 સરેરાશ 7.5 ટકા રહેશે. બિઝનેસ રેન્કિંગમાં પણ ભારતની પ્રગતિ થઈ છે. ભારતમાં વૃદ્ધિને વેગ છે, એમ પણ કોસેએ કહ્યું હતું.
વર્લ્ડ બૅન્કના રિપોર્ટમાં જણાવાયું છે કે, વપરાશ વધ્યો છે. રોકાણની વૃદ્ધિ સ્થિર રહી છે કેમ કે અમુક પરિબળોની તાત્પુરતી અસર જોવા મળી હતી. જીએસટીની એકસૂત્રતા અને બૅન્કોમાં પુન:મૂડીકરણને લીધે સ્થાનિક માગ મજબૂત રહેવાથી નાણાં વર્ષ 2018-19માં ભારતની આર્થિક વૃદ્ધિ 7.3 ટકા જેટલી રહેશે. આ પછીના વર્ષે વૃદ્ધિ 7.5 ટકા રહેવાનો અંદાજ છે. ખાનગી વપરાશ પણ મજબૂત રહેશે અને તાજેતરના પૉલિસી નિયમોને લીધે રોકાણ વધશે તેમ જ ક્રેડિટ (ધિરાણ)માં ઉછાળો જોવા મળશે. 
મજબૂત સ્થાનિક માગને લીધે આવતા વર્ષે ચાલુ ખાતાની ખાધ વધીને જીડીપીના 2.6 ટકા થઈ શકે છે. ફુગાવો રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ના બેથી છ ટકાના ટાર્ગેટ રેન્જથી આંશિક વધુ રહી શકે છે. જેનું મુખ્ય કારણ ઊર્જા અને અન્ન પદાર્થના ભાવ હશે. જીએસટીનો અમલ અને નોટબંધી જેવા નિર્ણયોને લીધે અસંગઠિત ક્ષેત્રને સંગઠિત ક્ષેત્રમાં સામેલ થવા માટે પ્રોત્સાહન મળશે. 
કોસેએ કહ્યું કે, તાત્પુરતી અડચણ (નોટબંધી અને જીએસટી) છતાં ભારતના તાજેતરના આંકડાને જોતા આર્થિક વૃદ્ધિ મજબૂત રહેશે એવા સંકેતો છે. વર્લ્ડ બૅન્કનો અંદાજ છે કે ભારતની આર્થિક વૃદ્ધિ સાત ટકાની આસપાસ રહેશે. ભારતીય અર્થતંત્ર તેની ક્ષમતા કરતા આંશિક વધુ વૃદ્ધિ પ્રદાન કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer