શૉપ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટનું લાઇસન્સ અૉનલાઇન રજિસ્ટર કરવાનું આસાન નથી

મુંબઈ, તા. 9 : કેન્દ્ર સરકારના `ઈઝ અૉફ ડૂઇંગ' થકી નવો બિઝનેસ શરૂ કરવાનું તદ્દન સહેલું થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે એ સંદર્ભે જાણવા મળ્યું છે કે દુકાન શરૂ કરવા માટેના રજિસ્ટ્રેશન રિન્યુઅલનું કામ ઘણું અઘરું છે. એ વિશે પૂછપરછ કરતાં સંબંધિતોએ ધરપત આપી છે કે એમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે.
એક દુકાનદારે કહ્યું કે `દુકાનના રજિસ્ટ્રેશનનું રિન્યુઅલ કરવા માટે મેં જ્યારે બીએમસીની વેબસાઇટ પર જઈને પ્રક્રિયા શરૂ કરી ત્યારે જોયું કે એ પ્રક્રિયા પૂરી કરવાનું આસાન નથી. વેબસાઇટ પર અમુક મિનિટોમાં માહિતી તો ભરી દેવાય છે, પણ પછી સંબંધિત ફૉર્મ ડાઉનલોડ કરી એમાં પણ એ જ બધી માહિતી ભરવી પડે છે (રિન્યુઅલ અથવા નવી દુકાન શરૂ કરવા માટે અલગ લાઇસન્સ છે). પછી ત્રણ પાનાંના એ ફૉર્મને એક પાનામાં સમાવીને અપલોડ કરવું પડે છે. જોકે ત્રણ પાનાંને એક પાનામાં સમાવવું સામાન્ય માણસ માટે સહેલું નથી. એ ઉપરાંત પૅન કાર્ડ અલગ સ્કૅન કરીને અપલોડ કરવું પડે છે.'
એ પ્રક્રિયામાં સમય વેડફી ચૂકેલા શ્યામ નામના દુકાનદારે કહ્યું કે મ્હાડાની લૉટરીની માફક આ પ્રક્રિયા કેમ આસાન નથી બનાવાતી? ત્યાં પૅન કાર્ડની માહિતી આપતાં વ્યક્તિનું નામ અૉટોમૅટિક આવી જાય છે. જ્યારે અમે અૉનલાઇન દરેક માહિતી ભરતા હોઈએ તો એ માહિતી અલગ ફૉર્મમાં હાથે લખીને શા માટે માગવામાં આવે છે? દુકાનના સર્ટિફિકેટની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની જરૂર છે. એમાં કોઈ વ્યક્તિ અટવાઈ જાય તો એ માટે કોઈ હેલ્પલાઇન પણ આપવામાં નથી આવી.'
બીજી તરફ બીએમસીના વરિષ્ઠ અધિકારી કહે છે કે અમે એ બાબતને ચકાસીશું અને જો જરૂરી હશે તો એ પ્રક્રિયામાં ફેરફાર પણ કરરશું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer