કૉંગ્રેસપ્રમુખે કહ્યું, જનતાના ચોકીદાર ચર્ચાથી ભાગ્યા અને રક્ષા માટે રક્ષામંત્રીને મોકલ્યા

56 ઇંચની છાતીવાળા મોદી લોકસભામાં એક મિનિટ ન બોલી શક્યા: રાહુલ
 
વડા પ્રધાને કહ્યું, આવું અણછાજતું નિવેદન ભારતની મહિલાઓનું હડહડતું અપમાન
 
જયપુર, તા. 9: રફાલ, જનરલ કોટા બિલ અને નાગરિકતા સંશોધન વિધેયક ઉપર સદનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાજસ્થાનના જયપુરમાં એક સભા દરમિયાન રાફેલ મામલે રાહુલે નરેન્દ્ર મોદી સામે નિશાન તાકતાં કહ્યું હતું કે, 56 ઇંચની છાતીવાળા વડાપ્રધાન લોકસભામાં એક મિનિટ માટે પણ ચર્ચા કરવા આવી શક્યા નહોતા. આ ઉપરાંત રક્ષામંત્રી નિર્મલા સીતારમણને સદનમાં પોતાની રક્ષા કરવા માટે મોકલ્યા હતા અને આવી રીતે જનતાના ચોકીદાર ભાગી છૂટયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે આ પ્રકારનું અણછાજતું નિવેદન ભારતની મહિલાઓનું હડહડતું અપમાન છે.
રાજસ્થાનમાં નવી સરકાર બન્યા બાદ રાહુલ ગાંધી ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને ખેડૂતોની દેવામાફીને લઈને પોતાના પક્ષની પ્રશંસા પણ કરી હતી અને મોદી સરકારની આલોચના કરી હતી. રાહુલ ગાંધીએ યુવાનોને કહ્યું હતું કે તેઓ બેકફૂટ ઉપર બેટિંગ ન કરે પણ ફ્રંટફૂટમાં આવીને છગ્ગો ફટકારે. રાહુલે સીબીઆઈ મામલે પણ મોદી સરકારને સવાલના ઘેરામાં લાવી હતી. રાહુલે કહ્યું હતું કે, રાતના અંધારામાં સીબીઆઈ ડાયરેક્ટરને હટાવવામાં આવ્યા હતા. જો કે કેન્દ્ર સરકારને ઝટકો આપતા સુપ્રીમે અલોક વર્માને ફરી ડાયરેક્ટર પદે બહાલ કર્યા હતા. સભામાં ફરી એક વખત રાહુલે રાફેલ મુદ્દે જેપીસી તપાસની માગણી કરી હતી. નોટબંધી અને જીએસટીને લઈને કેન્દ્ર સરકાર સામે આરોપ મૂકતા કહેવામાં આવ્યું હતું કે, મોદી સરકારે નોટબંધી અને જીએસટીની નાના દુકાનદારોને તોડી નાખ્યા હતા અને બેન્કની તમામ રકમ અનિલ અંબાણી અને તેના મિત્રોને આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer