ઈ-વે બિલ પ્રક્રિયામાં ફેરફાર થવાથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને પડશે આર્થિક ફટકો

મુંબઈ, તા. 9 : ગુડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) ડિપાર્ટમેન્ટે શરૂ કરેલી ઈ-વે બિલ પદ્ધતિમાં થયેલા ફેરફારનો આર્થિક ફટકો વેપારીઓ અને માલસામાનની હેરફેર કરનાર ટ્રાન્સપોર્ટરોને પડવા માંડયો છે. એને લીધે તેઓએ એ ફેરફારનો વિરોધ કર્યો છે.
ઈ-વે બિલની મુદત પૂરી થતાં નવા ઈ-વે બિલ તૈયાર કરવાની સવલત હતી. એથી તેમને લાભ થતો હતો, પરંતુ ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી એમાં અમુક તાંત્રિક ફેરફાર કરવામાં આવ્યા હોવાથી ઈ-વે બિલની મુદત પૂરી થતાં નવું બિલ બનાવવાનું અશક્ય બન્યું છે. માલની હેરફેર કરનારાઓ ઈચ્છિત સ્થળે માલ પહોંચાડે એ પૂર્વે અનેક વખત વિવિધ કારણસર ઈ-વે બિલની મુદત પૂરી થઈ જાય છે. એને લીધે એક જ ઈન્વોઈસ-નંબર પર નવેસરથી ઈ-વે બિલ તૈયાર કરવાની છૂટ જીએસટી વિભાગ તરફથી આપવામાં આવી હતી. હવે અચાનક આ સુવિધા બંધ કરવામાં આવી હોવાથી ટ્રાન્સપોર્ટરો અને એ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે.
બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને (બીજીટીએ) આ ફરિયાદની નોંધ લઈને રાજ્યના જીએસટી વિભાગના સહ-આયુક્ત ધનંજય આખાડેને નિવેદન મોકલ્યું છે. અનેક વખત વાહનોમાં તકલીફ ઉદ્ભવે છે, તો ક્યારેક અકસ્માત થતાં ઈ-વે બિલની મુદત પૂરી થઈ જાય છે. કોઈક વખત વાહનમાંથી સામગ્રી છેલ્લે પહોંચાડતા પૂર્વે વચ્ચેના અનેક ઠેકાણે ઉતારવી પડે છે. એમાં સમય વીતી જતાં ઈ-વે બિલની મુદત પૂરી થઈ જાય છે. તો અમુક વખત વાહનો જપ્ત કરવામાં આવે છે, પણ માલ-સામાન મોકલનારાઓને એની જાણ થતી નથી અને આવા અનેક બનાવો દરમિયાન ઈ-વે બિલની મુદત પૂરી થયેલી હોય છે. ત્યાર બાદ નવા ઈ-વે બિલ તૈયાર કરવાની મનાઈ ફરમાવાતાં એ માલસામાન ઈચ્છિત સ્થળે પહોંચાડવામાં અનેક તકલીફો પડે છે અને એનો આર્થિક ફટકો વેપારીઓ-ટ્રાન્સપોર્ટરોને પડે છે.
એ સંદર્ભે એ વિભાગ પાસેથી સ્પષ્ટ નિર્દેશ મળ્યા ન હોવાથી લોકોમાં નારાજગી પ્રસરી છે. બીજીટીએના લીગલ અને જીએસટી સમિતિના અધ્યક્ષ અભિષેક ગુપ્તાએ માગણી કરતા કહ્યું કે સંબંધિત વિભાગે આ ફરિયાદની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરોને ન્યાય અપાવવો જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer