મુલુંડમાં મોબાઈલ ટૉર્ચના પ્રકાશમાં નીકળે છે અંતિમયાત્રા

મુંબઈ, તા. 9 : મુલુંડની સ્મશાનભૂમિ તરફ જતા રસ્તાના કામ દરમિયાન વીજળીના થાંભલાની કેબલ લાઇન તૂટી જતાં 20થી વધુ સ્ટ્રીટલાઇટ બંધ છે. એવામાં રાત-મધરાત કોઈક વ્યક્તિનું નિધન થાય તો તેની અંતિમયાત્રા માટે સ્થાનિક લોકોએ મોબાઇલ ટોર્ચનો આધાર લેવો પડે છે. સંબંધિત સત્તાવાળાઓ એક-મેક પર આંગળી ચીંધીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.
મુલુંડ-ઇસ્ટની તાતા કૉલોની નજીક આવેલી સ્મશાનભૂમિનો ઉપયોગ દરેક ધર્મના લોકો કરી રહ્યા છે. મ્હાડા કૉલોની, નવઘર રોડ તથા તાતા કૉલોનીના 10,000થી વધુ લોકો ઉપરાંત આસપાસના હજારો લોકો આ સ્મશાનભૂમિનો ઉપયોગ કરે છે. એ સ્મશાનભૂમિની બહારથી પસાર થતા રોડનું ડામરીકરણ નીવ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ હાથ ધર્યું છે. એના કામ દરમિયાન સ્ટ્રીટલાઇટની કેબલલાઇન તૂટી જતાં 20થી વધુ થાંભલા પરની લાઇટ બંધ પડી ગઈ છે. ડિસેમ્બરની શરૂઆતથી મ્હાડાવાસીઓએ અંધારામાં આવ-જા કરવી પડે છે. 15 દિવસ પૂર્વે મ્હાડા કૉલોનીના એક યુવકનું મૃત્યુ થયું હતું. રાતે 7 વાગ્યા પછી ભયંકર અંધારું પથરાઈ જતું હોવાથી એ યુવકની અંતિમયાત્રા મોબાઇલ ટોર્ચના પ્રકાશમાં લઈ જવાઈ હતી. આવા અનેક બનાવ બાદ સ્થાનિક લોકો વધુ ગુસ્સે ભરાયા છે.
મ્હાડા કૉલોની ઍસોસિયેશનના અધ્યક્ષ રવિ નાયકે કહ્યું કે ગયા આખા મહિનાથી બંધ પડેલી સ્ટ્રીટલાઇટ વિશે સંબંધિત સત્તાવાળાઓને અનેક વખત ફરિયાદ કરી છે, પણ તેઓ રસ્તા વિભાગ મહાવિતરણ તરફ આંગળી ચીંધી રહ્યા છે. તો બીજી તરફ મહાવિતરણ રસ્તા વિભાગ પાસેથી ખર્ચ મળવાની પ્રતીક્ષા કરી રહ્યું છે. એ બન્ને વચ્ચેના અંતર્ગત વિખવાદનો ફટકો સ્થાનિક લોકોને પડી રહ્યો છે જે વખતે સ્ટ્રીટલાઇનો કેબલ વાયર તૂટયો ત્યારે જ મહાવિતરણે કામ અટકાવીને વસૂલી કરવાની જરૂર હતી એવું પણ એણે કહ્યું છે.
મુલુંડના મહાવિતરણનાં કાર્યકારી એન્જિનિયર સારિકા ખોબ્રાગડેએ કહ્યું કે એ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જેસીબીને લીધે સ્ટ્રીટલાઇટનો કેબલ વાયર તૂટી જતાં એટલા વિસ્તારમાંની રોડ પરની લાઇટો બંધ થઈ ગઈ છે. લાઇટો અગાઉ બંધ નહોતી. એટલે સંબંધિત વિભાગે એનો ખર્ચ આપવો પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer